ગુજરાતમાં ગઠબંધનને લઈ AAPએ હાથ પકડ્યો, કોંગ્રેસે એક ઝાટકે ખંખેરી નાંખી ખુલાસો કર્યો

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે,કસમયના આવા નિવેદનોથી દૂર રહેજો,આ જો અને તોની રાજનીતિ છે

Updated: Aug 8th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં ગઠબંધનને લઈ AAPએ હાથ પકડ્યો, કોંગ્રેસે એક ઝાટકે ખંખેરી નાંખી ખુલાસો કર્યો 1 - image



અમદાવાદઃ ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડશે. ઈસુદાન ગઢવીના આ દાવા સામે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, કસમયના આવા નિવેદનોથી દૂર રહેજો. આ જો અને તોની રાજનીતિ છે.

ગઠબંધનની વાત દિલ્હીથી હાઈકમાન્ડ નક્કી કરે છે

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ગંઠબંધન હોય કે બેઠકની ટિકીટ આપવાની વાત હોય તેની કોઈ પણ સત્તા પ્રદેશ કક્ષા પાસે નથી હોતી. કોંગ્રેસે ગુજરાતની જનતાને અપીલ કરીને કસમયના આવા નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. લોકસભાની ચૂંટણી લડવાની વાત છે ત્યાં સુધી કોઈપણ પ્રકારના ગઠબંધનની વાત દિલ્હીથી હાઈકમાન્ડ નક્કી કરે છે પ્રદેશ કક્ષાએથી કશું જ નક્કી થતું નથી.

ઈસુદાન ગઢવીએ ગઠબંધનની વાત કરી હતી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, વિપક્ષનું ગઠબંધન જેનું નામ INDIA રાખવામાં આવ્યું છે તે ગુજરાતમાં પણ લાગુ થશે. હાલ અમે સીટોની તપાસણી કરી રહ્યા છીએ અને આ INDIAથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખ્યાલ આવી ગયો છે કે INDIA 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે.ગુજરાતમાં સીટોની વહેંચણી કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે જો સીટોની વહેંચણીમાં અમે સારું કામ કરીશું તો ગુજરાતની 26માંથી 26 સીટો ભાજપ આ વખતે નહીં જીતી શકે.


Google NewsGoogle News