- ચકલાસીના મીઠા ફેક્ટરો રોડ પરથી
- યુવક અલિન્દ્રાના શખ્સ પાસેથી દોરી લાવ્યો હતો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : ચકલાસી પોલીસે શનિવારે સાંજે મીઠા ફેક્ટરી રોડ ઉપરથી એક યુવકને ચાઈનીઝ દોરીની ૮ રીલ (કિંમત રૂ.૨,૪૦૦)ના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ચકલાસી પોલીસ શનિવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે મીઠા ફેક્ટરી નજીક વડાપાઉંની દુકાન પાસે એક યુવક પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ખાનગી રીતે વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા લારી પાસેથી મળી આવેલ યુવકની પૂછપરછ કરતા આઝાદ વિનુભાઈ ઠાકોર (રહે. કંજોડા રોડ, નાની નહેર, ભાખરપુરા, ચકલાસી) પાસેથી ચાઈનીઝ દોરીની ૮ રીલ (કિંમત રૂ.૨,૪૦૦)નો જથ્થો મળી આવ્યો હતો. શખ્સ આ ચાઈનીઝ દોરી સુભાષભાઈ પરમાર નામના ખોડી વિસ્તાર અલિન્દ્રાના યુવક પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


