Gujarat

શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો

By GS TEAM
24 Nov 20252 mins read
શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો

જૂની અદાવત રાખીને

ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો  ત્રણ શખ્સો સામે અડાલજ પોલીસમાં ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના શેરથા નજીક જાહેર રોડ પર મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. ટીંટોડા ગામના એક યુવક પર તેના જ ગામના ત્રણ શખ્સોએ જૂની અદાવત રાખીને ઘાતક હથિયારો સાથે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ટીંટોડા ખાતે રામજી મંદિરવાળો વાસમાં રહેતા વિજય રણછોડજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત શનિવારના રોજ તે અને તેના કાકાનો દીકરો જયેશ અને મિત્ર મીત ઠાકોર એક્ટીવા લઈને શેરથા રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ અદાણી શાંતિગ્રામ ખાતે ફોટા પડાવવા ગયા હતા.

બપોરના એક વાગ્યાના સુમારે જ્યારે તેઓ અદાણી શાંતિગ્રામથી પરત ફરીને શેરથા કસ્તુરીનગર થઈને ટીંટોડા પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કસ્તુરીનગર બળીયાદેવ મંદિર પાસે

ટીંટોડા ગામના જ ત્રણ શખ્સો સંજયજી ઠાકોર, નવઘણ ઠાકોર અને કિશન ઠાકોર બે બાઈક પર આવ્યા હતા અને વિજયના એક્ટીવા પાસે ધસી આવ્યા હતા. ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને સંજય ઠાકોરે હાથમાં રહેલી લોખંડની પાઈપ વડે વિજય ઠાકોરના કપાળના ઉપરના ભાગે ફટકો માર્યો હતો, જ્યારે નવઘણ ઠાકોરે હાથમાં લાકડાનો ધોકો લઈને મારવા માટે દોડયો હતો. ત્રણેય શખ્સોએ ભેગા મળીને ગાળો આપી હતી અને હું તને મારી નાખીશ, છોડીશ નહીં, આજે તો તું બચી ગયો છે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા બાદ ગભરાઈ ગયેલા વિજયે ત્યાંથી ભાગીને પોતાના મામાને જાણ કરી હતી. ત્યારબાદ તેને સારવાર માટે પહેલા કલોલ અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે હાલ અડાલજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.