Gujarat

ચિલોડા પાસે વિદેશી દારૃના જથ્થા સાથે કપડવંજનો યુવાન પકડાયો

By GS TEAM
23 Jun 20251 min read
ચિલોડા પાસે વિદેશી દારૃના જથ્થા સાથે કપડવંજનો યુવાન પકડાયો

જિલ્લામાં વધતી દારૃની હેરાફેરી વચ્ચે

થેલામાં વિદેશી દારૃ લઈને જતો હોવાની બાતમી આધારે પોલીસે ઝડપી પાડયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા સર્કલ પાસેથી થેલામાં વિદેશી દારૃના જથ્થા સાથે પસાર થઈ રહેલા ખેડા કપડવંજના યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી વિદેશી દારૃની ૧૬ બોટલ મળી ૧૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે નાના મોટા બુટલેગરો દ્વારા તેને જે તે વિસ્તારમાં પહોંચાડવા માટે ખેપીયાની મદદ લેવામાં આવતી હોય છે ત્યારે પોલીસ પણ તેને પકડવા માટે દોડી રહી છે. આ સ્થિતિમાં ચિલોડા પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ થેલામાં વિદેશી દારૃની બોટલો સંતાડીને ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે અહીં એક શખ્સને ઝડપી પાડી તેના થેલાની તપાસ કરતાં તેમાં વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. અલગ અલગ બ્રાન્ડની આ ૧૬ જેટલી બોટલો કબજે કરીને તેની પૂછપરછ કરતા તે ખેડા કપડવંજ ખાતે સોનીવાળ ખાતે રહેતો પંકિલકુમાર કલ્પેશભાઈ સોની હોવાનું બહાર આવ્યું હતું અને તેની ધરપકડ કરીને આ દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેમજ કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી હતી.