વડોદરાઃ વડોદરાના છાણી વિસ્તારના એક યુવકે અહીંથી બેઠાબેઠા યુએસમાં ડોલરની હેરાફેરી કરવાના કામમાં ફસાઇ જતાં તેનું અપહરણ કરી રિવોલ્વર બતાવી ધમકી આપવાનાર હર્ષિલ રબારી સહિત છ સામે ગુનો નોંધાયો છે.ઇન્ટરનેશલ કોલ સેન્ટરના આરોપી સ્વયંને તેણે કામ સોંપ્યું હોવાની વિગતો ખૂલી છે.
છાણીના નવાપુરા ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા કર્મવીર પટેલે પોલીસને કહ્યું છે કે,નડિયાદના મારા મિત્ર હર્ષિલ રબારીએ મને યુએસમાં ડોલર પિકઅપ કરી બીજે પહોંચાડવાના કામ માટે કમિશન આપવાની ઓફર કરી તૈયાર કર્યો હતો.ઓગસ્ટ-૨૦૨૪માં મેં પાંચ ટ્રાન્જેક્શન પણ કર્યા હતા.
આ દરમિયાન હર્ષિલે મને કેલિફોર્નિયાથી ૯૧૦૦૦ ડોલર પિકઅપ કરવાનું કામ સોંપ્યું હતું.જે કામ મેં સ્વયં ઉર્ફે સેમ રાવત પાસે કરાવ્યું હતું.પરંતુ આ ડોલરનું પેકેજ રસ્તામાં જ વગે થઇ ગયું હતું અને તે પહોંચાડવાનું કામ માથે લેનારાના મોબાઇલ પણ બંધ થઇ ગયા હતા.
કર્મવીરે વધુમાં કહ્યું છે કે,આ ડોલરની વસૂલાત માટે હર્ષિલ રબારી અને તેના સાગરીતો ધમકી આપતા હોવાથી મેં ૨૭ લાખ ચૂકવી દીધા હતા.આમ છતાં ગઇ ૧લી ફેબુ્રઆરીએ હું સાયલાથી કારમાં આવતો હતો ત્યારે લીંમડીના રામ મોરી અને દસેક સાગરીતોએ મારું અપહરણ કર્યું હતું અને એક ફાર્મમાં ગોંધી માર માર્યો હતો.રામ અને નવઘણ રબારીએ રિવોલ્વર બતાવી ૧૦ લાખ માગ્યા હતા અને મારી પાસે માટી કામના ૨૫લાખ લેવાના બાકી છે તેવું લખાણ પણ લખાવી વીડિયો ઉતારી જવા દીધો હતો.મને ફરી ધમકી આપતાં ફરિયાદ કરી છે.
છાણીના યુવકના અપહરણની ફરિયાદ પરથી સાયબર સેલે કોલ સેન્ટર પકડયું
વડોદરાથી બેઠાબેઠા યુએસ ડોલરની હેરાફેરી કરવામાં છાણીના યુવકનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ ગઇકાલે રાત્રે છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આરએલ પ્રજાપતિએ નોંધી હતી.જે ફરિયાદમાં સ્વયં ઉર્ફે સેમ રાવત નું નામ ખૂલ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ,આ બનાવ બાદ સાયબર સેલને પણ કેટલીક માહિતી મળી હતી અને રાત્રે જ તેમણે ચાપડ રોડના વિન્ટેજ બંગલામાં દરોડો પાડી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો ભાંડો ફોડયો હતો.જોકે સાયબર સેલની ફરિયાદમાં આવો કોઇ ઉલ્લેખ નથી.


