કઠલાલના બાજકપુરાના યુવકનું એક્ટિવા ખાડામાં પટકાતા મોત
- અમદાવાદ- ઇન્દોર હાઇવે પર ખાડા પડયા
- બાલાસિનોર તરફ આવતી વખતે ખાડામાં પટકાયા બાદ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
બાલાસિનોર : અમદાવાદ -ઇન્દોર હાઇવે પર વરસાદના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. બાલાસિનોરથી ફાગવેલના ૧૨ કિ.મી.ના રોડમાં અસંખ્ય ખાડા પડયા છે. ફાગવેલ તરફથી કઠલાલના બાજકપુરા ગામનો યુવક એક્ટિવા લઇને જતા હતો ત્યારે ખાડામાં પડતા યુવકનું મોત થયું હતું.
બાલાસિનોરથી ફાગવેલના ૧૨ કિલોમીટરના વિસ્તારમાં હાઇવે ઓથોરીટીની બેદરકારીના કારણે એક હજારથી વધુ ખાડા પડી ગયા છે. ત્યારે ફાગવેલ તરફથી બાલાસિનોર આવતા કઠલાલ તાલુકાના બાજકપુરા ગામના ચૌહાણ વીરપાલસિંહ ( ઉ.વ.૨૨) એક્ટિવા લઇને આવતા હતા. ત્યારે એક્ટિવા ખાડામાં પડતા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર પટકાતા ગંભીર ઇજાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ ૧૦૮ને જાણ કરતા દોડી આવી હતી. બાલાસિનોર ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.