વાઘાવાડી રોડ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત

સપ્તાહ બાદ વધુ એકવાર વાઘાવાડી રોડ બન્યો રક્તરંજીત
રોંગ સાઈડમાંથી આવતી બાઈક અને અન્ય બે ટુ વ્હિલના અકસ્માતમાં ચાર યુવતી અને બાઈક ચાલકને ઈજા, ગુનો નોંધાયો
શહેરના હાર્દસમાન વાઘાવાડી રોડ પર સપ્તાહ પૂર્વે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે બાદ આજે વધુ એકવાર વાઘાવાડી રોડ રક્તરંજીત બન્યો છે. શહેરની ભાદેવાની શેરી હાટકેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની દિકરી રિદ્ધિ અને જાનવી ગત રાત્રિના તેમની બહેનપણી ઋત્વી, નંદીની અને પાયલ સાથે જીજે-૦૪-સીએચ-૮૫૩૩ નંબરનું એક્ટિવા લઈને જવાહર મેદાન ખાતે ગયા હતા અને રાત્રિના બારેક વાગ્યાના અરસામાં મેળામાં નાસ્તો કરીને બધી બહેનપણીઓ બે બાઈકમાં પરત આવી રહ્યાં હતા ત્યારે વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામેથી પસાર થતાં હતા તે દરમિયાન જીજે-૦૫-એસએમ-૫૬૯૪ નંબરની બાઈક ઓચિંતી રોંગ સાઈડમાં આવી જાનવીબેનના બાઈક સાથે અથડાવી હતી જેમની પાછળ તેમની બહેનપણીનું ટુ વ્હિલ પણ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિદ્ધીબેન અને જાનવીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય ત્રણ બહેનપણીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાતે રિદ્ધિબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉપરાંત રોંગસાઈડમાં આવતા બાઈક ચાલક જીણાભાઈ સુરાભાઈ વાઘેલા (રહે.બુધેલ)ને પણ ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવ અંગે મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણે નિલમબાગ પોલીસ મથકમાં જીજે-૦૫-એસએમ-૫૬૯૪ નંબરની બાઈકના ચાલક જીણાભાઈ સુરાભાઈ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘાવાડી રોડ વન-વે બની ગયો હોવાથી અકસ્માતની સંભાવના વધી
શહેરના ઘણાંખરાં રોડ રિપેરિંગના કારણે ખોદી નાખવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસોથી વાઘાવાડી રોડનું પણ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હોવાથી મોટાભાગનો રોડ વન-વે છે અને તેના કારણે અકસ્માતની સંભાવના વધી છે ત્યારે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તે દરમિયાન આ માર્ગ પર અકસ્માત નિવારણ માટે યોગ્ય પગલાં લેવાય તે લોકહિત માટે જરૂરી છે.








