Gujarat

બકરા ચરાવવા નીકળેલા યુવાનનું તળાવમાં ડુબી જવાથી કરૃણ મૃત્યુ

By GS TEAM
12 Jul 20252 mins read
બકરા ચરાવવા નીકળેલા યુવાનનું તળાવમાં ડુબી જવાથી કરૃણ મૃત્યુ

દહેગામના સાંપા ગામની કરૃણાંતિકા

પરિવારજન સહિત સ્થાનિકોના બચાવવા પ્રયાસો નિષ્ફળ અને પાણીમાં તરફડીયા મારતા યુવકનું પ્રાણ પંખી ઉડી ગયું               

ગાંધીનગર :  ચોમાસાના દિવસો દરમિયાન પાણીના ોત આસપાસ પણ નહીં જવાની ચેતવણીઓ આપવામાં આવતી હોવા છતાં કરૃણાંતિકાઓ સર્જાતી રહી છે. શનિવારે દહેગામ તાલુકાના સાંપા ગામે આવેલા તળાવમાં ડુબી જવાથી એક યુવાનનું કરૃણ મૃત્યુ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પરિવારજન સહિત સ્થાનિકોના બચાવ પ્રયાસો નિષ્ફળ રહ્યાં અને પાણીમાં તરફડીયા મારતા યુવકનું પ્રાણ પંખી ઉડી ગયુ હતું.

ગાંધીનગરના દહેગામ તાલુકાના સાંપા ગામે રહેતા અજીત ભૂપતભાઇ નામના દેવીપૂજક યુવાનનું આ બનાવમાં મૃત્યુ થયુ હતું. તે પરિવારના યુવાનો સાથે બકરા ચરાવવા નીકળ્યો હતો. દરમિયાન સાંપા ગામના નેપા તળાવ પાસે પહોંચ્યા બાદ બકરા તળાવ તરફ જતાં હોય તેને વાળવા માટે આગળ વધ્યાની સાથે પગ લપસવાથી તે તળાવમાં પડી ગયો હતો. કાંપ અને માટી સહિત કાદવ કિચડના કારણે તે પોતાની જાતને સભાળી શક્યો ન હતો અને બચાવવા માટે બુમો પાડવા લાગ્યો હતો. આ સાથે દોડી આવેલા પરિવારજન સહિતના લોકોએ તેને બહાર કાઢવા કરેલા પ્રયાસો નિરર્થક રહ્યા હતાં. દરમિયાન તળાવમાં યુવક ડૂબ્યો હોવાની જાણ દહેગામ નગરપાલિકા અને ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ રાઠોડ, ફાયરમેન ધર્મેન્દ્રસિંહ, ધર્મવીરસિંહની ટીમે સ્થળ પર પહોંચીને તળાવમાં ડૂબેલા યુવકને મૃત હાલતમાં બહાર કાઢયો હતો. આ મામલે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.