Get The App

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો 1 - image

રાજકોટના જવાહર રોડ પરના ટી  સ્ટોલ પર બનેલી ઘટના

એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી, મૃતકની આવતા મહિને સગાઇ થવાની હતી

રાજકોટ: રાજકોટમાં દિવાળીના તહેવારોથી શરૂ થયેલો હત્યાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગઇકાલે રાત્રે જવાહર રોડ પર ભીક્ષુકોને હેરાન કરતાં ધાર્મિક  ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.૧૮, રહે. ઠક્કરબાપા વિસ્તાર, ડો. યાજ્ઞિાક રોડ નજીક)ને ખુદ તેના મિત્ર રીક્ષા ચાલક મયુર કિશોરભાઈ લઢેર (ઉ.વ.૨૪, રહે. પેડક રોડ, આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર)એ છરીનો એક ઘા ઝીંકી પતાવી દીધો હતો.

એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી મયુરની ધરપકડ કરી હતી. હત્યાનો ભોગ બનનાર ધાર્મિક ડો. યાજ્ઞિાક રોડ પર કપડાના શો-રૂમમાં નોકરી કરતો હતો. બે ભાઇમાં મોટો હતો. આવતા મહિને તેની સગાઇ થવાની હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે રાહુલ જગદીશભાઈ વાઘેલાનો ગઇકાલે જન્મદિવસ હતો. જેની ઉજવણીમાં ધાર્મિક, તેના બે મિત્રો યુગ દીપકભાઈ વાઘેલા અને જયદીપ ભરતભાઈ શીંગાળા સહિતના પણ સામેલ થયા હતા. જન્મદિવસની ઉજવણી બાદ રાહુલ સિવાયના ત્રણેય મિત્રો જવાહર રોડ પરની મોમાઇ ટી સ્ટોલે ચા પીવા આવ્યા હતા. 

જ્યાં ગમે તે થતાં ધાર્મિકે ફૂટપાથ પર સૂતેલા ભીક્ષુકોને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે એક-બે ભીક્ષુકોના બ્લેન્કેટ કાઢી  લીધા હતા. જ્યારે એક ભીક્ષુકના ખીસ્સામાંથી રૂા. ૧૧૩ કાઢી લીધા હતાં. આ બધું તે મસ્તીમાં કરતો હતો. સાથે રહેલા બે મિત્રો યુગ અને જયદીપે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નહીં સમજતાં યુગે બીજા મિત્રોને ફોન કર્યો હતો. તે સાથે જ તેના બીજા મિત્રોમાં અંકિત કિરીટભાઈ ઘાવરી અને જેનો બર્થ ડે હતો તે રાહુલ આરોપી મયુરની રીક્ષામાં ત્યાં પહોંચ્યા હતાં.

આવીને મયુરે પણ ધાર્મિકને સમજાવવાનો પ્રયાસ કરતાં ધાર્મિકે તેને ગાળો ભાંડી હતી. જેને કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાઇ ગયેલા મયુરે પોતાની રીક્ષામાંથી છરી લઇ આવી તેનો એક જ ઘા ધાર્મિકની છાતીમાં ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જે જોઇ આરોપી મયુર ત્યાંથી રીક્ષા લઇને ભાગી ગયો હતો. બાકીના મિત્રોએ ધાર્મિકને સિવિલમાં ખસેડયો હતો. આ તમામ મિત્રો ડરી જતાં શરૂઆતમાં પોલીસને ઘંટેશ્વર પાસે અકસ્માતમાં ઇજા થયાનું જણાવ્યું હતું. 

જેને કારણે ગાંધીગ્રામ પોલીસ તપાસમાં ગઇ હતી. પરંતુ અકસ્માત થયાના કોઇ પૂરાવા મળ્યા ન હતા. આખરે  મિત્રોએ આરોપી મયુરે છરીથી હુમલો કર્યાનું પોલીસને કહ્યું હતું. થોડીવાર બાદ ધાર્મિકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. એ ડીવીઝન પોલીસે સફાઇ કામ કરતાં તેના પિતા પ્રકાશભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.