9 વર્ષની બાળાને રૃમમાં બોલાવી જાતિય હુમલો કરનાર યુવાનને 3 વર્ષની સખ્તકેદ
પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા વિમલ લેવાના બહાને રૃમમાં બોલાવી હતીઃ બાળાને રૃા.50 હજાર વળતર ચૂકવવા નિર્દેશ
સુરત
પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા વિમલ લેવાના બહાને રૃમમાં બોલાવી હતીઃ બાળાને રૃા.50 હજાર વળતર ચૂકવવા નિર્દેશ
ત્રણ વર્ષ પહેલાં પાંડેસરા વિસ્તારમાં રહેતી 9 વર્ષીય બાળકીને વિમલ લેવાના બહાને રૃમમાં બોલાવીને બદકામના ઈરાદે મોં દબાવીને તેના પર જાતીય હુમલો કરવાના કેસમાં સંડોવાયેલા આરોપી યુવાનને આજે એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ ઈપીકો-354(એ) તથા પોક્સો એક્ટના ભંગની કલમ 12 ના ગુનામાં દોષી ઠેરવી ત્રણ વર્ષની સખ્તકેદ,25 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદ તથા ભોગ બનનારને 50 હજાર વળતર ચુકવવાનો નિર્દેશ આપ્યો છે.
મૂળ બિહારના દરભંગા જિલ્લાના વતની એવા 22 વર્ષીય આરોપી નંદન ચંદ્રેશ્વર શાહુ (રે.જ્યોતિનગર,બમરોલી રોડ,પાંડેસરા)એ ગઈ તા.3-2-19ના રોજ પોતાના ઘર પાસે અન્ય છોકરાઓ સાથે રમતી નવ વર્ષની બાળકીને વિમલ લાવવાના બહાને પોતાના રૃમમાં બોલાવી હતી.ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે બદકામ કરવાના ઈરાદે તેનું મોં દબાવીને ચડ્ડી ઉતારવાનું કહેતો હતો.જે દરમિયાન ભોગ બનનાર બાળકીની માતા આવી જતાં રડતી બાળકીએ આરોપીના કુકર્મ અંગે પોતાની માતાને સમગ્ર હકીકત કહી હતી.જેથી પીડીતા બાળકીની ફરિયાદી માતાએ આરોપી નંદન શાહુ વિરુધ્ધ ઈપીકો-354(એ) તથા પોક્સો એક્ટની કલમ 12 ના ભંગ બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 12 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજૂઆતોને માન્ય રાખી આરોપીને ઉપરોક્ત કેદ તથા દંડની સજા તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ માત્ર નવ વર્ષની બાળકી સાથે શારીરિક જાતીય સતામણી કરી હોવાનું નિઃશકપણે પુરવાર થયું હોય ત્યારે તે બાળકની માનસિક પરિસ્થિતિને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેવો સંદેશ પહોંચાડવો એ ન્યાયના હિતમાં છે.