Gujarat

તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ છે-કહી યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 26.90 લાખ પડાવ્યા

By GS TEAM
9 Jul 20252 mins read
તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ છે-કહી યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 26.90 લાખ પડાવ્યા

મૂળ નાગપુરના વતની અને હાલ જામનગરમાં રહેતા એક યુવાને સાયબર ચાંચિયાઓ સામે ફરિયાદ નોંધાવી

જામનગર : જામનગરની સાયબર ક્રાઈમ બ્રાંચમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક ગુનો દાખલ થયો છે. મૂળ નાગપુરના વતની અને હાલ જામનગરમાં રહેતા એક યુવાનને તમારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે.  તેવું કારણ દર્શાવી ક્રાઈમ બ્રાન્ચનો ડર બતાવી,  ડિજિટલ એરેસ્ટ કરીને  સાઇબર ચાંચિયાઆએ 26.90 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવાઇ છે. 

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ નાગપુરના વતની અને હાલ જામનગરમાં ે શાંતિ હારમોની એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા ગણેશ ક્રિષ્નાજી ઠાકરેએ જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કેે તેમને એક વ્યક્તિએ કોલ કરી કહ્યું કે, ફેડેકસ કુરિયરમાંથી બોલું છું. તમારાં નામના પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે. અને સાથે અન્ય કેટલીક કિંમતી વસ્તુઓ તથા કેટલાંક પાસપોર્ટ વગેરે છે.ઉપરાંત કોલમાં વધુ કહેવાયું હતું કે તમારૂં પાર્સલ હાલ કસ્ટમ વિભાગ પાસે છે. ડ્રગ્સ અંગે વાત કરી જેલનો ડર દેખાડવામાં આવ્યો હતો. અને એમ કહેવામાં આવ્યું કે, આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ તમારી સાથે વાત કરવા ચાહે છે. તમારો આ ફોન ક્રાઈમ બ્રાન્ચ સાથે કનેકટ કરૂં છું.

ત્યારબાદ, એક વ્યક્તિએ પોતે ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે તેમ કહી ફરિયાદીને કહ્યું કે, તમારી ડિજિટલ ધરપકડ કરવામાં આવી છે. તમારે કેમેરા સામે ઓનલાઈન રહેવું પડશે, તમે કયાંય જઈ શકશો નહીં. આ વાતચીતથી ડરી ગયેલા, ફરિયાદીએ પોતાની બેંક વિગતો અજાણ્યો ફોન કરનારને આપી દીધી હતી.બાદમાં ફરિયાદીને ફોનમાં કહેવાયું કે, બેંકમાં તમારી લેતીદેતીઓ વધુ છે. જે પૈકી 99 ટકા રકમ તમારે અમે કહીએ તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેશે. અને રૂપિયા બાબતે ખરાઈ થઈ ગયા બાદ તમારાં નાણાં તમને પરત એકાઉન્ટમાં જમા મળી જશે. આ રીતે રૂ. 18 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ મિલકતની સિક્યુરિટી પેટે તેની પાસેથી વધુ રૂપિયા 8.90 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો. તેથી ફરિયાદીએ કોલ કર્યો પણ સામે કોઈ કોલ રિસીવ કર્યો ન હતો.અને આમ પરપ્રાંતિય યુવાનના રૂપિયા 26.90 લાખ ચાઉ થઈ ગયા હતા. જેથી આખરે ફરિયાદ નોંધાવાતા ગુનો દાખલ કરી  જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસ હાથ ધરી છે.