કેનેડાથી રિટર્ન આવેલા યુવકે રેસ્ટોરન્ટ અને દુકાનમાં ચોરી કરી

વડોદરા,કેનેડાથી ત્રણ મહિના પહેલા જ પરત આવેલા એમ.એસસી. થયેલા યુવકે વડોદરામાં દુકાન અને રેસ્ટોરન્ટમાં ચોરી કરી હતી. તેમજ એક બાઇક પણ ઉઠાવી હતી. ગોરવા પોલીસે ટેકનિકલ સોર્સના આધારે આરોપીને ઝડપી પાડયો છે.
ગોરવા વિસ્તારમાં સારાભાઇ કેમ્પસમાં એન્ટાર્કર્ટિકા હાઇટ્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સતગુરુ ડ્રાયફ્રૂટ્સ એન્ડ નટ્સ નામની દુકાનનું શટર ગત તા.૧૩ની રાત્રે તોડી અંદર પ્રવેશી ત્રણ દિવસના વકરાના રોકડ ૧.૯૦ લાખની ચોરી કરી હતી. આ અંગે દુકાનના માલિક કૈલાશ પલ્લુરામ કાલડાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સારાભાઇ કેમ્પસમાં આવેલા સેફ્રોન રેસ્ટોરન્ટમાંથી પણ રોકડા ૨૩ હજારની ચોરી થઇ હતી. જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જ્યારે ત્રીજા બનાવમાં ઇનઓરબિટ મોલ સામે ચા પીવા ઉભેલા યુવકની બાઇક ચોરાઇ હતી. ગોરવા પી.આઇ. કે.એન.લાઠિયાએ આરોપી ક્રિયેશકુમાર પ્રવિણભાઇ પટેલ (રહે. ખારવા કુવા ફળિયું, જલુંધ ગામ,તા. ખંભાત,જિ.આણંદ) ને ઝડપી પાડયો હતો. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં આરોપીએ ત્રણેય ગુનાની કબૂલાત કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે,ક્રિયેશકુમારે એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તે કેનેડા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. અભ્યાસની સાથે તે ડ્રાઇવિંગની પણ નોકરી કરતો હતો. કેનેડામાં અકસ્માત થતા તેની નોકરી છૂટી ગઇ હતી. ત્યારબાદ ભાઇ સાથે પણ વિવાદ થતા ગત મે મહિનામાં તે પરત ઇન્ડિયા આવી ગયો હતો. ત્યારબાદ તેણે ચોરી કરવાનું શરૃ કર્યુ હતું.








