Gujarat

ઇન્સ્ટા પર વીડિયો મૂકવાનો બહુ શોખ છે..તેમ કહી યુવકનું અપરહરણ કરી ફટકાર્યોઃ10 સામે ગુનો

By GS TEAM
13 Oct 20251 min read
ઇન્સ્ટા પર વીડિયો મૂકવાનો બહુ શોખ છે..તેમ કહી યુવકનું અપરહરણ કરી ફટકાર્યોઃ10 સામે ગુનો

વડોદરાઃ સોશ્યલ મીડિયા પર મૂકેલા એક વીડિયોની અદાવત રાખી છોટાઉદેપુરના એક યુવકનું વડોદરામાં દસેક જણાએ અપરહરણ કરી માર માર્યો હોવાનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

માનાવાંટ ગામે રહેતા માહિર રાઠવાએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે તા.૧૨મીએ હું મારા ત્રણ મિત્રો સાથે અનગઢ માતાજીના દર્શનાર્થે જવા માટે બાઇક અને સ્કૂટર પર નીકળ્યો હતો.

સમા જલારામ મંદિર પાસે બપોરે વિપુલ રાઠવા મળી જતાં અમે ઉભા રહ્યા હતા.આ વખતે એક બાઇક અને રિક્ષામાં કેટલાક શખ્સો આવ્યા હતા અને મને જબરદસ્તી રિક્ષામાં ઉઠાવી ગયા હતા.મારા મિત્રોને પાછળ આવશો તો ફસાઇ જશો તેવી ધમકી આપી હતી.

સુનિલ બારીયાએ મને એક વર્ષ પહેલાં ઇન્સ્ટા પર મારો વીડિયો કેમ મૂક્યો હતો તેમ કહી અવાવરૃ સ્થળે લઇ જઇ માર માર્યો હતો. સુનિલની સાથે સન્ની યાદવ,રવિન્દ્ર રાઠવા,વિપુલ રાઠવા અને બીજા છ જણાએ મને વારાફરતી પકડી રાખી લાકડી,પટ્ટા અને ધોકા વડે માર માર્યો હતો.જેથી સમા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.