માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક યુવતીએ યુવકની હેરાનગતિ થી કંટાળી ગઈ તેને પાઠ ભણાવતા યુવકે લેખિતમાં માફી માંગી લીધી હતી.
માંજલપુર વિસ્તારમાં થોડા સમય પહેલા ભાડાના મકાનમાં યુવતી પરિવાર સાથે રહેવા માટે આવી હતી. નજીકમાં રહેતા એક યુવકની આ યુવતી પર નજર પડતા તેણે યુવતીના પરિવારને મળીને મારે કામ માટે મોબાઈલ નંબર જોઈએ છે તેમ કહી નંબર મેળવ્યો હતો.
ત્યારબાદ યુવકે તેને મોબાઈલ પર મેસેજ મોકલવા માંડ્યા હતા તેમજ કોલ પણ કરવા માંડ્યા હતા. પરંતુ યુવતી રિસ્પોન્સ આપતી ન હતી. આ યુવતી ઘરની બહાર નીકળે ત્યારે યુવક તેને રોકતો હતો અને ફ્રેન્ડશીપની વાતો કરતો હતો. જેથી,યુવતીએ તેને હેરાન નહીં કરવા માટે વારંવાર વિનંતી કરી હતી. પરંતુ યુવક માનવા તૈયાર ન હતો અને સતત પીછો કરતો હતો.
આખરે યુવતીએ અભયમની મદદ લેતા સયાજીગંજની ટીમે યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પોલીસ ફરિયાદ થશે તો જેલના સળિયા ગણવા પડશે તેમ કહી અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપી અને તેમના વાલીને પણ જાણ કરવાની કાર્યવાહી કરતાં યુવકે યુવતીની માફી માગી હતી અને હવે પછી ક્યારે પણ હેરાન નહીં કરે કે નામ નહીં લે તેમ લખી આપ્યું હતું.