Gujarat

આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો

By GS TEAM
23 Mar 20262 mins read
આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો

વડોદરા : આઠ વર્ષ પહેલા ઘરેથી નોકરી પર જવા નિકળેલો યુવક અચાનક જ ગુમ થઇ જતા પરિવારના સભ્યોએ તેને શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યું હતું. આ અંગેની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી, જો કે, આઠ વર્ષ બાદ પણ યુવકની કોઇ ભાળ ન મળતાં ગુમ થયેલા યુવકના ભાઇએ કોર્ટમાં અરજી કરી તેના ભાઇને મૃત જાહેર કરવા માટેની દાદ માગી હતી. ન્યાાયધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ ગુમ થયેલા યુવકને સિવીલ ડેથ (મૃત) જાહેર કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, શહેરમાં રહેતા ભાનુભાઇ પટેલ(નામ બદલ્યું છે)ના ભાઇ રમેશભાઇ (નામ બદલ્યું છે) તા.૧૭ જુલાઈ, ૨૦૧૬ના રોજ નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ક્યારેય પરત ફર્યા નહોતા.પોલીસ તપાસ અને પરિવારના અથાક પ્રયત્નો છતાં રમેશભાઇની કોઈ ભાળ મળી નહોતી, જેના કારણે ભાનુભાઇ પટેલે ે વર્ષ ૨૦૨૪માં સિવિલ કોર્ટમાં પોતાના ભાઈને સિવિલ ડેથ  જાહેર કરવા માટે દાદ માગી હતી. સુનાવણી દરમિયાન વાદી તરફે દલીલ કરવામાં આવી હતી કે,કે રમેશભાઇ ગુમ થયાને સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને દૈનિક અખબારમાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવા છતાં કોઈ વાંધા-વચકા આવ્યા નથી.

પુરાવા તરીકે પોલીસ સ્ટેશનનું સર્ટીફિકેટ અને સાક્ષીઓની જુબાની પણ રજૂ કરવામાં આવી હતી. બીજી તરફ, કોર્પોરેશનના જન્મ-મરણ નોંધણી વિભાગના અધિકારીએ ટેકનિકલ કારણોસર આ દાવાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે વાદીએ તમામ વિગતો સ્પષ્ટ કરી નથી. જોકે, સામા પક્ષે રમેશભાઇ જીવિત હોવાનો કોઈ પણ પુરાવો કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા.

કોર્ટે અવલોકન કર્યું હતું કે ભારતીય પુરાવા અધિનિયમ (ઇન્ડિયન એવિડન્સ એક્ટ) ની કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય, તો તેને મૃત માનવાની કાયદાકીય જોગવાઈ છે. આ કેસમાં રમેશભાઇ વર્ષ ૨૦૧૬થી એટલે કે લગભગ ૮ વર્ષથી ગુમ છે અને તેમના કોઈ સગડ નથી.અંતે, કોર્ટે હિતેશભાઈની અરજી મંજૂર રમેશભાઇ પટેલેને સિવિલ ડેથ જાહેર કરી જન્મ-મરણ નોંધણી વિભાગના અધિકારીને આ સિવિલ ડેથની નોંધ લેવા માટે  આદેશ કર્યો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચુકાદો માત્ર વ્યક્તિના મૃત્યુના તથ્ય પૂરતો મર્યાદિત છે, ચોક્કસ તારીખ કે સમય માટે નહીં.