Gujarat

જામનગરમાં યુવાનને છરીના ઘા ઝીંકી તેના સાળા સહિત 2 દ્વારા હત્યા

By GS TEAM
23 Jan 20262 mins read
જામનગરમાં  યુવાનને  છરીના ઘા ઝીંકી તેના સાળા સહિત 2 દ્વારા હત્યા

પંચેશ્વર ટાવર નજીક વંડા ફળી વિસ્તારનો બનાવ : યુવાને કરેલાં પ્રેમલગ્નના મનદુઃખમાં  હત્યા : પતિને છોડાવવા વચ્ચે પડેલી પત્નીને પણ હાથમાં છરીના ઘા વાગી ગયા

 જામનગર, : જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડા ફળી વિસ્તારમાં રહેતા અને પ્રેમલગ્ન કરનાર  યુવાનની આજે વસંત પંચમીના દિવસે હત્યા થતા અરેરાટી વ્યાપી છે. તેના સાળા અને સાળાના મિત્રએ યુવાનના ઘરે આવી પ્રેમલગ્નના મનદુઃખમાં તકરાર કરી યુવાનને છરીના ઘા ઝીંક્યા હતા. યુવાનને બચાવવા વચ્ચે પડેલી તેની પત્નીને પણ  બંને હાથમાં છરીના ઘા વાગ્યા હતા. 

પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલયભાઇ અશોકભાઈ કુંડલીયા નામના 40 વર્ષના યુવાનના ઘરે આજે સવારે સવા દસ વાગ્યાના અરસામાં  ગોકુલ નગરમાં રહેતા તેના સાળા મનીષ જેરામભાઈ મોરી તેમજ જૂનાગઢમાં રહેતા તેના સાથીદાર સોહિલ સલીમભાઈ સોઢા છરી સાથે ઘસી આવ્યા હતા. તેમણે પ્રેમ લગ્નનું મનદુઃખ રાખીને તકરાર કર્યા બાદ છરી વડે હુમલો કરી દીધો હતો. આ વેળાએ ઘરમાં હાજર રહેલા તેમના પત્નીએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. નિલય ઉપર છરીના ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી દેતા લોહી લુહાણ થઈ ગયો હતો. તેના પત્ની પૂજાબેન બચાવવા માટે વચ્ચે પડતાં તેને પણ બંને હાથમાં છરીના ઘા વાગ્યા હતા. દેકારો થયા બાદ પાડોશીઓ એકત્ર થઈ ગયા હતાં અને ૧૦૮માં ઇજાગ્રસ્ત નિલયભાઇ અને પૂજાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં નિલયનું મૃત્યુ નીપજ્યું હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જયારે પત્ની પૂજાબેનને હાથમાં છરી વાગી હોવાથી સારવાર અપાઇ હતી.

 આ બનાવ બાદ પોલીસ કાફલો દોડતો થયો હતો અને સીટી ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ સીટી એ. ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડા અને તેઓની ટીમ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી. આ બનાવ અંગે મૃતકની માતા ઉષાબેન અશોકભાઈ કુંડલીયાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મનીષ જેરામભાઈ મોરી અને સોહિલ સલીમભાઈ સોઢા સામે ગુનો નોંધ્યો છે. અત્યારે બંને આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓની શોધ ખોળ ચલાવી રહી છે.

આરોપી મનીષની બહેન પૂજાબેન સાથે મૃતકે ગત 30-6-2025ના રોજ લવ મેરેજ કરી લીધા હતા. ત્યારથી સાળા-બનેવી બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આજે સવારે બંને આરોપીઓ તકરાર કરવાના ઇરાદે આવ્યા હતા અને પૂજાને છોડી દેવાનું કહી તકરાર કર્યા બાદ છરી વડે હુમલો કરી દીધો હતો.