Gujarat

કોબા પાસે રસ્તો ઓળંગતા યુવાનને કારે અડફેટે લેતા મોત

By GS TEAM
1 Sep 20252 mins read
કોબા પાસે રસ્તો ઓળંગતા યુવાનને કારે અડફેટે લેતા મોત

ગાંધીનગરના માર્ગો ઉપર વધતા અકસ્માતો વચ્ચે

મજૂરી કામ અર્ર્થે આવેલા બે સાઢુ રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના બની

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે કોબા પાસે રસ્તો ઓળંગી રહેલા યુવાનને પૂર ઝડપે આવી રહેલી કારે અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સિવિલમાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. જે ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ છે. આંતરે દિવસે અકસ્માતમાં મૃત્યુની ઘટના બહાર આવી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર કોબા હાઇવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રસ્તો ઓળંગી રહેલા યુવાનનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પંકેશ મોહન મોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે અને તેના સાઢુ કોબા પાસે આવેલી બાંધકામ સાઈટ ઉપર કામ કરી રહ્યા છે અને ગઈકાલે રાત્રે તેઓ લાકડા લઈને કોબા બસ સ્ટેન્ડ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન ગાંધીનગર તરફથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમના સાઢુ શંભુલાલ ભાર્તાલાલ કતીજાને અડફેટે લીધા હતા અને જે અકસ્માતમાં તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અકસ્માતની આ ઘટના અંગે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.