Gujarat

માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત

By GS TEAM
15 Nov 20252 mins read
માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત

વડોદરા,માંજલપુર કબીર કોમ્પલેક્સ પાસે રોડ ક્રોસ કરતા યુવકને બાઇક ચાલકે ટક્કર મારીને ૧૦ ફૂટ સુધી ઢસડી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

માંજલપુર કબીર કોમ્પલેક્સ ત્રણ રસ્તા  પાસે પંજાબી જાયકા નામના રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બિપીનભાઇ છોટેલાલ ગૌતમ, ઉં.વ.૨૮ તુલસીધામ ચાર રસ્તાથી કબીર કોમ્પલેક્સ તરફ રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન પૂરઝડપે આવતા એક બાઇક ચાલકે બિપીનભાઇને અડફેટે લીધા હતા. અકસ્માત પછી બાઇક ચાલક બિપીનભાઇને ૧૦ ફૂટ સુધી ઢસડી ગયો હતો. માથામાં અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતા બિપીનભાઇ બેભાન થઇ ગયા હતા. અકસ્માતના પગલે રેસ્ટોરન્ટના માલિક તથા અન્ય સ્ટાફ દોડી ગયો હતો. બિપીનભાઇને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે સ્થળ પર લોકોએ બાઇક ચાલકને પકડીને ઊભો રાખ્યો હતો. બાઇક ચાલક રેસ્ટોરન્ટની સામેના કોમ્પલેક્સમાં જ  રહે છે. તેના પિતા આવીને તેને કારમાં બેસાડી સારવાર માટે લઇ  ગયા હતા. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં ગત ૩ જી તારીખે રાત્રે સવા આઠ વાગ્યે નવાયાર્ડ વિસ્તારમાં ચાલતી જતી અજાણી વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતા ચહેરા  પર ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. તેઓને અર્ધ બેભાન  હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓનું ગત મોડી રાત્રે દોઢ વાગ્યે મોત થયું હતું. ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ શરૃ કરી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઉંમર આશરે ૫૮ વર્ષ છે. તેઓની ઓળખ હજી થઇ નથી.