શેરબજારમાં રોકાણની લાલચ આપીને યુવાન સાથે ૪૮ લાખની છેતરપિંડી
સાયબર ગઠિયાઓનો આતંક યથાવત
પાંચથી વીસ ટકાનો નફો બતાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા ઃ સાયબર ક્રાઇમની તપાસ
ગાંધીનગર : હાલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરના યુવાનને શેર બજારમાં રોકાણની લાલચ આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કાવાર ૪૮ લાખ રૃપિયા જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને સાઇબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે અને પોલીસ
દ્વારા લોકોને સાવચેત રહેવા અને કોઈપણ પ્રકારની લોભામણી લાલચમાં નહીં આવવા માટે તાકીદ
કરવામાં આવે છે તેમ છતાં લોકો રૃપિયા કમાવવાની લાયમાં સાઇબર ગઠિયાઓની જાળમાં ફસાઈ રહ્યા
છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં બનવા પામ્યો છે. જ્યાં યુવાન શેર બજારમાં કમાવાની
લાલચમાં ૪૮ લાખ રૃપિયા જેટલી રકમ ખોઇ બેસ્યો છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે
ગત ૨૩ ઓગસ્ટના રોજ આ યુવાન સોશિયલ મીડિયા જોઈ રહ્યો હતો તે દરમિયાન શેરબજારને લગતી
એક રીલ્સ જોઈ હતી અને ત્યારબાદ તેની ઉપર ક્લિક કરતા વોટ્સએપ નંબર ખૂલ્યો હતો અને ત્યારબાદ
તેની સાથે સંપર્ક કરતા નવી દિલ્હીથી અર્જુન હિન્દુજા આર.બી.એલ. સિક્યુરીટીઝમાં ચીફ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે યુવાન સાથે શેર અને શેર માર્કેટના
વિશ્લેષણ અંગે વાતચીત કરી અને કસ્ટમર કેરમાં વોટ્સએપ નંબર પર સંપર્ક કરાવ્યો હતો ત્યારબાદ
યુવાનને આરબીએલ સિક્યુરીટીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અને તેમાં સબસ્ક્રિપ્શન
કરવાનું જણાવ્યું હતું. શરૃઆતમાં રૃ. ૧૫,૦૦૦ ના આઇપીઓ
સબસ્ક્રિપ્શનમાં રૃ. ૩,૦૦૦ નો નફો
બતાવીને યુવાનનો વિશ્વાસ જીત્યો હતો. એટલું જ નહીં એક જ મહિનામાં આ યુવાન પાસેથી અલગ
અલગ ખાતામાં ૪૮ લાખ રૃપિયા જમા કરાવ્યા હતા. જોકે ત્યારબાદ તેના રૃપિયા નહીં ઉપાડતા
આખરે તેને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં
ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.