Gujarat

રિવ્યુ આપી કમાણીની લાલચ બતાવીને યુવાન સાથે ૧૫.૨૫ લાખની છેતરપિંડી

By GS TEAM
22 Aug 20252 mins read
રિવ્યુ આપી કમાણીની લાલચ બતાવીને યુવાન સાથે ૧૫.૨૫ લાખની છેતરપિંડી

પાટનગરમાં સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

શરૃઆતમાં ખાતામાં દોઢસો રૃપિયા જમા થતા વિશ્વાસમાં આવી ગયેલા યુવાને રૃપિયા ટ્રાન્સફર કર્યા ઃ અડાલજના યુવાનની ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા અડાલજમાં રહેતા યુવાનને ઓનલાઇન રીવ્યુ આપવાની લાલચ આપીને દોઢસો રૃપિયા જમા કરાવી વિશ્વાસ કેળવીને ૧૫.૨૫ લાખ રૃપિયા સાયબર ગઠિયાઓ દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા.  જે સંદર્ભે હાલ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલમાં સાઇબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે મહિલાઓ વૃદ્ધોની સાથે શિક્ષિત યુવાનો પણ તેનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગર નજીક આવેલા અડાલજમાં દેવનંદન પરિસર વસાહતમાં રહેતા અને અડાલજ સ્વાગત સીટી કોમ્પલેક્ષમાં ખાનગી ગોલ્ડ લોન નામની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો યુવાન પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત ૨૭ જૂનના રોજ અજાણા વોટ્સએપ નંબરના ગ્પમાં પાર્થ જશવંતભાઈ પંચોલીને ઉમેરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને હોટલ અને રેસ્ટોરન્ટના ઓનલાઇન રિવ્યુ આપવાની જોબની ઓફર કરવામાં આવી હતી.  જેના પગલે યુવાન વિશ્વાસમાં આવી ગયો હતો અને તેના ખાતામાં ૧૫૦ રૃપિયા જમા થતા વિશ્વાસ મજબૂત થયો હતો. આ દરમિયાન તેને એક ટેલિગ્રામ ગુ્રપમાં એડ કરવામાં આવ્યો હતો. જ્યાં લિંક મોકલવામાં આવી હતી. ત્યારબાદ તેણે ૧૫.૬૯ લાખ રૃપિયા અલગ અલગ બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર કર્યા હતા અને તેના ખાતામાં ૨૦ લાખ રૃપિયાનું બેલેન્સ બતાવવામાં આવતું હતું. જોકે તેણે આ રૃપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉપડી શક્યા ન હતા અને તેને વધુ ૮.૯૫ લાખ રૃપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જેના પગલે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ૧૫.૨૫ લાખ રૃપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.