તરૃણીની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘુસી બળજબરી કરતો યુવક

વડોદરા,ઘરે એકલી તરૃણીની એકલતાનો લાભ ઉઠાવી આરોપી તેના ઘરમાં ઘુસી ગયો હતો. આરોપીએ કપડા ઉતારી બળજબરીની કોશિશ કરતા તરૃણીએ બૂમાબૂમ કરતા આરોપી ભાગી છૂટયો હતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
આજવા રોડ પર રહેતું દંપતી દોઢ મહિના પહેલા લગ્નમાં ગયું હતું. તેઓ લગ્નમાંથી પરત આવ્યા ત્યારે પાડોશીએ જાણ કરી કે, એક છોકરો તમારા ઘરમાં ઘુસીને તમારી દીકરી સાથે બળજબરી કરવાની કોશિશ કરતો હતો. જેથી, માતાએ દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, આજવા રોડ ચાચા નેહરૃનગરમાં રહેતો સતિષ ચંદુભાઇ રાઠોડ છેલ્લા એક વર્ષથી મારી પાછળ પડયો છે. આજે સોશિયલ મીડિયા પર વાતચીત દરમિયાન હું ઘરે એકલી હોવાની જાણ તેને થઇ હતી. જેથી, તે ઘરે આવ્યો હતો. તેણે મારો હાથ પકડી કિસ કરી હતી. ત્યારબાદ તે મને બેડરૃમમાં લઇ ગયો હતો અને મારી સાથે બળજબરી કરવાની કોશિશ કરતો હતો. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો આવી જતા તે ભાગી ગયો હતો. અગાઉ પણ તેણે મારી બર્થડે ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તે સમયે પણ તેણે મારી સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. જેથી, મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતા તેણે હાથ પર બ્લેડ મારી ધમકી આપી હતી કે, તું મારી સાથે વાત નહીં કરે તો હું તને સોશિયલ મીડિયા પર બદનામ કરી દઇશ. હું ઘરની બહાર નીકળું ત્યારે પણ તે હાથમાં ચપ્પુ રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.








