વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો
યુવક તેના પિતા અને અમેરિકન સિટિઝનશિપ ધરાવતી મહિલા સાથે હોટલમાં રોકાયો હતો
યુવકે હોટલમાં આપેલો મોબાઇલ નંબર ખોટો હતો

વડોદરા,વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા પિતા -પુત્ર પૈકી પુત્રે હોટલના રિસેપ્શનિસ્ટને માર મારતા અકોટા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આજે સવારે ત્રણેય જણા હોટલમાં ચેક આઉટ કરીને નીકળી ગયા હતા.
રાજપીપળાના નાંદોદ તાલુકાના હજરપુરા ગામનો વતની વ્રજ બ્રિજેશભાઇ પટેલ અકોટા દિનેશ મિલની બાજુમાં આવેલી ધ ફર્ન વડોદરા હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૭ મી તારીખે રિસેપ્શન પર હું તથા કૃષાંગ પટેલ હતા. તે દરમિયાન ત્રણ વ્યક્તિઓ હોટલમાં આવ્યા હતા. તેઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. (૧) ત્રિવેદી હસીત શાંતિલાલ (૨) ત્રિવેદી મીરાજ હસીતભાઇ ( બંને રહે. સકાત વેલી, આવકાર હાઇટ્સ, ન્યૂ ચાંદખેડાની પાસે, અમદાવાદ) તથા લોરા હેરિસન (રહે. યુ.એસ.એ.) એ બે દિવસ માટે ચેક ઇન કરાવ્યું હતું. ૮ મી તારીખે મીરાજે કાઉન્ટર પર આવીને કહ્યું કે, અમે બહાર જઇએ છીએ. અમારા રૃમમાં કોઇ જવું જોઇએ નહીં. જેથી, અમારા મેનેજર વિજયભાઇએ તેઓએ આપેલો મોબાઇલ નંબર લગાવ્યો હતો. કોલ રિસિવ કરનાર વ્યક્તિએ કહ્યું કે,મારા મોબાઇલ પર હોટલમાં ચેક ઇનનો મેસેજ આવ્યો હતો. પરંતુ, હું આવા કોઇ વ્યક્તિને ઓળખતો નથી. જેથી, મેનેજરે મીરાજભાઇને કહ્યું કે, તમારો પોતાનો મોબાઇલ નંબર આપો. આ વાત સાંભળીને ઉશ્કેરાઇને મીરાજભાઇએ ગાળો બોલી મને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવતા પોલીસ આવી હતી. વ્રજ પટેલે જણાવ્યું હતું કે, મીરાજની વર્તણૂંક શંકાસ્પદ લાગતી હતી. તે અંગે અમે અકોટા પોલીસને પણ જાણ કરી હતી.

