વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા યુવક પર ડાળી પડતા મોત
નવા બનતા ફોર લેન રોડ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો
વડોદરા, પાદરાના કુરાલ ગામની ચોકડીએ વરસાદમાં ઝાડ નીચે ઉભા રહીને ચા પીતા યુવક પર ઝાડની ડાળી પડતા તેને ગંભીર ઇજા થતા મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાદરા નજીકના ગવાસદ ગામે શિવશક્તિ રેસિડેન્સીમાં રહેતા ૩૬ વર્ષના ચંદ્રવિજય વિજયશંકર પાંડે મૂળ યુ.પી.નો રહેવાસી છે. ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો ચંદ્રવિજય બાઈક લઈને કુરાલી ચોકડી પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન વરસાદ શરૃ થતા તે કુરાલ ગામની ચોકડી પાસે ઝાડ નીચે આવેલી ચાની લારી પર ઉભો રહ્યો હતો. તે દરમિયાન લીમડાના ઝાડની ડાળી તેના પર પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.ડાળી નીચે દબાઇ ગયેલા યુવકને જેસીબી, હાઈડ્રા તથા જેકથી ડાળી ઉંચી કરીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક ચંદ્રવિજય પાદરા પાસે નવા બનતા ફોર લેન રોડ પર સુપરવાઇઝરનું કામ કરતો હતો.