2 વ્યાજખોરો સામે ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ : 40 ટકા વ્યાજે રકમ આપી : પઠાણી ઉઘરાણી કરી ખૂનની ધમકી આપ્યા અંગે બંને ભાઇઓ સામે નોંધાતો ગુનો
રાજકોટ, : 150 ફૂટ રીંગ ઉપર શિતલ પાર્ક પાસે શાસ્ત્રીનગર શેરી નં. 5માં રહેતા વિશાલ વિનુભાઇ વિરડા નામના યુવાનને 40 ટકા લેખે એક કરોડ રૂપિયા લીધા બાદ રૂા. 55 લાખ આપી દીધા હોવા છતાં વિજય મકવાણા અને તેના ભાઇ ભાવેશ મકવાણા નામના 2 વ્યાજખોરોએ વધુ રૂપિયા 10 કરોડની માંગણી કરી તેના ઘરે જઇ ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિશાલ ઘર છોડી ચાલ્યો ગયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે આ મામલે વિશાલના પિતા વિનુભાઇ (ઉ.વ. 60)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વિનુભાઇએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. 11ના તેનો પુત્ર વિશાલ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો. જેથી આ મામલે બીજા દિવસે પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. જો કે બે દિવસ બાદ તા. 14ના એ પરત આવી ગયો હતો. તેને જવાનું કારણ પૂછાતા એવી વાત કરી હતી કે તેની સોસાયટીમાં રહેતા બંને આરોપીઓની ઓફિસ રામાપીર ચોકડી પાસે જાનકી કોમ્પ્લેક્સમાં જય દ્વારકાધિશ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ આવેલી છે. જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હોય વ્યાજ ચડી જતાં તેની પાસેથી ઉઘરાણી કરતા હતા. પરંતુ પૈસા આપી શકું તેવી હાલતમાં ન હોવાથી કંટાળી ઘર છોડી જતા રહ્યાનું કહ્યું હતું.
આથી તેણે પુત્ર વિશાલને પૈસા મામલે પૂછપરછ કરી હતી પરંતુ તેણે પછી જણાવીશ તેવો જવાબ આપી દીધો હતો. ત્યારબાદ વિશાલ તા. 31ના ફરીથી ચીઠ્ઠી લખી ઘર છોડીને જતો રહ્યો હતો. જે તા. 6ના તેને મળી હતી. તેમાં વિશાલે લખ્યું હતું કે બંને આરોપી પાસેથી તેણે અંદાજે રૂા. 1 કરોડ જેવી રકમ વ્યાજે લીધી હતી. તેના વ્યાજપેટે રૂા. 55 લાખ આપી દીધા હોવા છતાં આરોપીઓ હજુ રૂપિયા 2.39 કરોડની માંગણી કરતાં હતાં. 40 ટકા વ્યાજે લીધેલી રકમ તે આપી શકે તેમ ન હોવાથી વ્યાજ સહિત રકમ દસ કરોડની માંગણી કરતાં હતા. આથી બંનેના ત્રાસથી ઘર મુકીને જાવ છું આ વાત મેં ઘરમાં કોઇને કહી ન હતી તેમ ચીઠ્ઠીમાં લખેલું હતું. બીજી તરફ આરોપીઓ તેના ઘરે જઇ ઉઘરાણી કરી 'જો તમારો દિકરો મારા પૈસા વ્યાજ સહિત નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. બીજા દિકરા દિલીપને પણ ફોન કરી પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાવી હતી.


