યુવાનને મરવા મજબૂર કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ
'મમ્મી હું વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઇ ગયો છું, આ લોકો મારી નાખવાની ધમકી આપે છે..' કહ્યા બાદ ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
ફરિયાદમાં નિર્મયાબેને જણાવ્યું કે, તેના પતિનું આઠ વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ થયું હતું. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેમાં મોટો પુત્ર રવિ સીદસર ગામે ગૌ-શાળામાં કામ કરતો હતો. છ મહિના પહેલા તેણે ગૌ-શાળામાં કામ મુકી પોતાની જમીનમાં ખેતીકામ ચાલુ કર્યું હતું. ત્યારે તેણે દેવાંગ પાસેથી અલગ અલગ સમયે રૂા.૬ લાખ મહીનાના ૩ ટકા વ્યાજે લીધા ં બાદ તેને પૈસા ચુકવી દીધા હતાં. ત્યારબાદ તેણે તેની પાસેથી રૂા.૭ લાખ વ્યાજે લીધા હતાં. દર મહિને તે રૂા.૨૧ હજાર વ્યાજ ચુકવતો હતો. દરમિયાન તેની પાસે વ્યાજના પૈસા ન હોવાથી આરોપી જસ્મીન પાસેથી રૂા. ૩ લાખ દસ ટકા લેખે અને મીહીર પાસેથી રૂા.૫૦ હજાર ત્રણ ટકા વ્યાજે લીધા હતાં અને દર મહિને આ લોકોને વ્યાજ સહિત પૈસા ચુકવતો હતો. બાદમાં તેની પાસે વ્યાજના પૈસા ચુકવી ન શકતાં આ ત્રણેય આરોપીઓ તેને ગાળો ભાંડી વ્યાજની ઉઘરાણી કરતા અને મારી નાખવાની ધમકી આપતાં હોવાથી તેણે આ લોકોને વ્યાજ ચુકવવા માટે આરોપી ઇન્દ્રજીતસિંહ પાસેથી ત્રણ ટકા વ્યાજે રૂા.૩ લાખ લીધા હતાં, જે પૈસા ખેતી કામમાં વપરાઇ જતાં વ્યાજ ચુકવી ન શકતાં આરોપીઓ તેને ગાળો ભાંડી ઉઘરાણી કરતા હતાં.
એક તબક્કે તેણે કહ્યું કે, 'મમ્મી હવે હું ચારેય વ્યાજખોરોના વ્યાજના ચુંગાલમાં ફસાઇ ગયો છું. આ લોકો ઘરે આવીને મારી નાખીશું તેમ ધમકી આપે છે.' તે સવારે ઘરેથી રાજકોટ બેંક ખાતે બુકમાં એન્ટ્રી કરાવવા માટે ગયા હતાં ત્યારે રવિ ઘરે એકલો હતો. પરત આવ્યા ત્યારે તેણે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધેલો હતો. આ અંગે પોલીસે ચારેય શખ્સો સામે મનીલેન્ડ અને યુવાનને મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


