પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ
ઈયોન ઓવરસીઝના દંપતી વિરૂદ્ધ ફરિયાદ
યુવક યુકે પહોંચ્યો તો નોકરીની વાત કરી હતી તેવી કોઈ કંપની તે સ્થળે હતી જ નહીં
પેટલાદ ખાતે રહેતા અને પશુપાલન તથા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા વિજયભાઈ લક્ષ્મણભાઈ રબારીને લંડન જવું હોવાથી મિત્ર મારફતે પેટલાદની કોલેજ ચોકડી નજીક આવેલી ઈયોન ઓવરસીઝ નામની ઓફિસે ગયા હતા. જ્યાં જૈનીબેન કેતુલભાઇ પટેલ અને કેતુલભાઇ નાગરદાસ પટેલે યુકેમાં એક કંપનીમાં નોકરી અપાવવાની તેમજ ટેક્સ ભરી આપવા માટે વકીલની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. પ્રથમ બે વર્ષ અને ત્યારબાદ ત્રણ વર્ષના વર્ક પરમીટ વિઝા માટે વિજયભાઈએ અલગ અલગ તારીખે ઓનલાઇન તથા રોકડા મળી કુલ રૂપિયા ૨૭ લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ લંડનના વિઝા આવતા વિજયભાઈ ઓક્ટોબર-૨૦૨૩માં લંડન ગયા હતા. જ્યાં જઈને તપાસ કરતા જૈનીબેન તથા કેતુલભાઇએ આપેલ સરનામા ઉપર તેમના જણાવ્યા મુજબની કોઈ કંપની નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઠગ દંપતીએ બીજી કંપનીમાં નોકરી અપાવવાની વાત કરવા છતાં બે માસ સુધી નોકરીનું કંઈ ઠેકાણું ન પડતા જાન્યુઆરી-૨૦૨૪માં તેઓ ભારત પરત આવી ગયા હતા. પેટલાદની ઇયોન ઓવરસીઝ ખાતે જઈ પૈસા પરત માંગતા જૈનીબેન તથા તેમના પતિ કેતુલભાઇએ લંડન મોકલવાનો ખર્ચ થયો હોવાનું જણાવી પૈસા આપવાની ના પાડી હતી. પેટલાદ પોલીસમાં અરજી કરતા ફરી યુકે મોકલવાની શરતે સમાધાન થયું હતું. ત્યારબાદ ઘણો સમય વીતિ જવા છતાં વિઝા ના મળતા આખરે વિજયભાઈએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત આ દંપતીએ ભરૂચની યુવતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવાના બહાને લાખો રૂપિયા ખંખેર્યા હોવા સાથે અન્ય કેટલાકને પણ ઠગ્યા હોવાનું ખુલતા પેટલાદ શહેર પોલીસે દંપતી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.