Gujarat

છાલા પાસે કન્ટેનરની અડફેટે બાઈક સવાર નરોડાના યુવાનનું મોત

By GS TEAM
28 Jul 20252 mins read
છાલા પાસે કન્ટેનરની અડફેટે બાઈક સવાર નરોડાના યુવાનનું મોત

રાજસ્થાન ફરીને પરત ફરતા મિત્રને અકસ્માત નડયો

કન્ટેનર લઈને ભાગી રહેલા ડ્રાઇવરને મિત્રોએ પીછો કરીને ઝડપી લીધો ઃ પોલીસે તપાસ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા નજીક રાજસ્થાનથી બાઇક લઈને પરત ફરી રહેલા યુવાનો પૈકી એક યુવાનના બાઈકને કન્ટેનરે અડફેટે લેતા યુવાન ટ્રક નીચે આવી ગયો હતો અને જેના કારણે શરીરે ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા ગામ નજીક સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઇક સવાર અમદાવાદ નરોડાના યુવાનનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ખાડિયા માણેકચોક ખાતે રહેતા યુવાન જયરાજ મુકેશભાઈ ઘઘડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે અને તેના મિત્રો બાઈક લઈને અમદાવાદથી રાજસ્થાન ઉદેપુર ખાતે ફરવા માટે ગયા હતા અને જ્યાંથી તેઓ અમદાવાદ પરત આવી રહ્યા હતા તે દરમિયાન ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલાથી છાલા જતા હાઈવે રોડ પર માતાપુરા ગામના પાટિયા પાસે રોડનું કામ ચાલુ હોવાથી તેઓ ધીમી ગતિએ વાહન ચલાવી રહ્યા હતા. તેમની પાછળ તેમનો મિત્ર અમદાવાદ નરોડા ખાતે ઉમિયા બંગ્લોઝમાં રહેતો યશ ધર્મેન્દ્રભાઇ પટેલ પણ બાઈક લઈને આવી રહ્યો હતો તે દરમિયાન એક કન્ટેનરના ચાલકે યસના બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે તે નીચે પટકાયો હતો અને તેના ઉપરથી કન્ટેનરનું ટાયર ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે તમામ મિત્રો ઊભા રહી ગયા હતા જોકે ટ્રકનો ચાલક ભાગી રહ્યો હોવાથી પીછો કરીને અન્ય મિત્રો દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ યશ પટેલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ અકસ્માતની આ ઘટના અંગે ચિલોડા પોલીસ દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.