નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા

- ઓનલાઈન છેતરપિંડી અંગે યુવકની ફરિયાદ
- ટેલિગ્રામ પર આવેલા આઈડીમાં વિશ્વાસ રાખી સંપર્ક કરતા રોકાણના 100 ટકા નફો થવાની લાલચ આપી
નડિયાદના દેસાઈ સંસ્કાર કેન્દ્ર પાસે મોટા પોળ વિસ્તારમાં રહેતા સૌરભકુમાર ગોરધનભાઈ પટેલના મોબાઇલના ટેલિગ્રામમાં ગત તા. ૨૮ ઓગસ્ટના રોજ રોચિત સિંગ ઓફિશિયલ નામની પૈસાનું રોકાણ કરવાની આઇડી આવી હતી. સૌરભ કુમારે આઇડી ઓપન કરતા તેમાં વોટ્સએપ નંબરના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવાયું હતું. સૌરભ કુમારે રોચિત સિંગ નામના શખ્સ પર વિશ્વાસ રાખી વાત આગળ વધારી હતી. રોચિત સિંગે પૈસા રોકાણ કરવામાં કોઈ નુકસાન નહીં જાય અને ૧૦૦ ટકા નફો થશે તેમ જણાવી ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન બતાવ્યો હતો. ત્યાર પછી તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ રોચિત સિંગે સૌરભ કુમારને ફોન કરીને કેટલા રૂપિયાનું રોકાણ કરવું છે તે પૂછયું હતું. સૌરભ કુમારે ૫ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું કહી ક્યૂઆર કોડ પર ત્રણ વખત ઓનલાઈન રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ રોચિત સિંગે અલગ અલગ ક્યૂઆર કોડ અને બેંક એકાઉન્ટ નંબરો મોકલીને સૌરભ કુમાર પાસેથી કુલ ૨,૮૦,૬૦૬ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન રોકાણ સામે નફો માંગતા વધુ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. ત્યારે સૌરભ કુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા નડિયાદ શહેર પોલીસે આ અંગે સાયબર ફ્રોડનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.








