ઘેટાને ગાડી અડી જતા ખાખરીયાના યુવકને માર મારી લૂંટ કરી

દિહોર વરલ રોડ પરનો બનાવ
તળાજા પોલીસ મથકમાં પાંચ અજાણ્યા શખ્સો સહિત 6 સામે ફરિયાદ થઈ
ભાવનગર: તળાજાના દિહોર ગામ નજીક દિહોર વરલ રોડ પર ઘેટાને ગાડી અડી જવા મુદ્દે ખાખરીયા ગામના યુવકને માર મારી લૂંટ કરી પીકઅપ ગાડીની ચાવી લઈ ગયા હતા. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં પાંચ અજાણ્યા સહિત કુલ ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
સિહોર તાલુકાના ખાખરીયા ગામે રહેતા યોગેશભાઈ જીવાભાઈ કુવાડિયાએ તળાજા પોલીસ મથકમાં રમેશ ભરવાડ (રહે.દિહોર) અને પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગતરોજ બપોરના એક કલાકના અરસમાં તેઓ તેમની જીજે-૦૪-એડબલ્યુ-૧૦૪૩ નંબરની પીકઅપ ગાડી લઈને સખવદર ગામેથી ચુડી ગામે ભેંસ ભરવા માટે જઈ રહ્યાં હતા ત્યારે દિહોર ગામ નજીક દિહોર-વરલ રોડ પર પસાર થતાં હતા ત્યારે રસ્તામાં ઘેટાં હતા તેથી હોર્ન મારતા ઉક્ત રમેશભાઈ અપશબ્દો કહેવા લાગ્યા હતા. તેમના ઘેટાને ગાડી અડી જતાં તેમની ગાડી ઉભી રખાવી લાકડી અને પાઈપ વડે માર મારી મુઢ ઈજા કરી તેમની પાસે રહેલા રૂ.૧૦,૫૦૦ તથા પીકઅપ વાહનની ચાવી લઈને ચાલ્યા ગયા હતા. બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધ્યો છે.

