શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી
ગંગાજળિયા પોલીસ મથકમાં 4 શખ્સો સામે ગુનો નોંધાયો
સામુ જોવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો
ભાવનગર: શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવકનું બાઈક સળગાવી તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી રૂ.૩૦ હજારની લૂંટનો બનાવ બન્યો છે. જે અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા આરતીબેન નરેશભાઈ ટેભાણીએ ગંગાજળિયા પોલીસ મથકમાં અશ્વિન ઉર્ફે અડધી પેટી જગાભાઈ બાંભણીયા, જીતેશ પરમાર, સાજન ખન્નાભાઈ બારૈયા અને રચિત ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો દિકરો ગત ૧૫-૦૭ની રાત્રિના મજુરી કામેથી ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે ધનાનગર પાસે રસ્તામાં ઉભેલા ઉક્ત અશ્વિન સામે તેણે જોતા તેને નહી ગમતા ઉક્ત ચારેય લોકોએ તેને ઢીકાપાટુંનો માર માર્યો હતો. જેથી મોહિત તેનું બાઈક મુકી ત્યાંથી જતો રહેતા ઉક્ત લોકોએ તેનું બાઈક સળગાવી દીધું હતું. બાદમાં કચરલિયાપરા ખાતે તેમના ઘરે આવી ઘરમાં તોડફોડ કરી રૂ.૮૦ હજારનું નુકસાન કર્યું હતું, તેમજ કબાટમાં રહેલા રૂ.૩૦ હજારની લૂંટી ગયા હતા. આ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધ્યો હતો.