લાલપુર નજીક પીપર ટોડા ગામ પાસે એક બાઈક સ્લીપ થઈ જતાં જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મૂળ ઉપલેટા તાલુકાના કોલકી ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી ટાઉનશીપમાં રહેતા જલક કિરીટભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાનને જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.
બાઈકસવાર યુવાન ગત 3 તારીખે રાત્રિના બે વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને પીપરટોડા થી જામનગર તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન ચાલુ વરસાદના કારણે એકાએક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને માથાના ભાગે પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઇજાઓ થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્માતમાં બનાવ અંગે મૃતકના મોટાભાઈ ઋતુભાઈ કિરીટભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટી.બી. જાડેજા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.