રોંગ સાઈડમાં આવતા ટ્રેલરે કારને ટક્કર મારતા હળવદના યુવાનનું મોત

- માળીયા હાઇ-વે પર વનવગડો હોટલ નજીકનો બનાવ
- કારમાં સવાર મિત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયોઃ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર
હળવદ : હળવદ-માળીયા હાઈ-વે પર આવેલા વન વગડો હોટલ નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર કારખાનેદાર યુવાનનું ધટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે કાર સમવાર અન્ય એક યુવાનને ઈજાગ્રસ્ત થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.
હળવદના ઉમિયા નગર વિસ્તારમાં રહેતા કેતનકુમાર હરજીવનભાઈ પટેલ (ઉં.વ.૪૩) અને મેહુલભાઈ પટેલ બંને મિત્રો કાર લઈ હળવદ-માળીયા હાઈ-વે પર વનવગડો હોટલ નજીક આવેલા પોતાના કારખાને જઇ રહ્યા હતા. ત્યારે માતેલા સાંઢની જેમ રોંગ સાઇડમાં આવતા ટ્રેલરના ચાલકે કારને સામેથી અથડાવી અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક આશાસ્પદ યુવાન કેતન પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મેહુલ પટેલને ઈજા થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ધટનાની જાણ થતાં હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો દોડી આવ્યા હતા. કેતન પેટલના મોતના સમાચારથી પરિવાર અને સમાજમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. હળવદ પોલીસ અકસ્માત સંદર્ભે તપાસ હાથ ધરી છે.









