ટેલરે અડફેટે લેતાં કારમાં સવાર બોરીયાવીના યુવકનું મોત નિપજયું
- ધનસુરાના ખેડા પાસે અકસ્માત સર્જાયો
- આણંદનું ગુ્રપ રાજસ્થાની ફરીને પરત ફરતું હતું, ચાલક સહિત અન્ય 6 સવારને ઈજાઓ પહોંચી
અકસ્માત સર્જી ઘટના સ્થળે ટ્રેલર છોડી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ ધનસુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ જિલ્લાના જીમ ટ્રેનર રાજ ગુપ્તા સહિતના છ મિત્રો ઈનોવા ગાડી લઈ રવિવારે સવારે રાજસ્થાન ફરવા ગયા હતા. દિવસભર ફરી આ મિત્રો સાંજે આણંદ પરત ફરી રહયા હતા. ત્યારે ધનસુરાના ખેડા પાટીયા નજીક સામેથી પુરઝડપે આવતી ટ્રેક ટ્રેલરના ચાલકે ઈનોવાને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ઈનોવા ચાલક નિલેશભાઈને ડાબા હાથે, જયારે રાજ ગુપ્તાને મોંઢે ઈજાઓ પહોંચી હતી. તેમજ અન્ય સવાર હરનીશભાઈ પાઠક, કિશોરભાઈ ભવાની, ઉમંગભાઈ રાવલ અને પુરવેશ વાઘેલા નાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પરંતુ આ ઈનોવામાં સવાર જનકારભાઈ રશ્મીકાન્તભાઈ પટેલ (ઉ.વ.૩૪, રહે. બોરીયાવી-આણંદ) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તાબડતોડ વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જયાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. રાજ ગુપ્તા(જીમ ટ્રેનર) રહે.આણંદ ની ફરીયાદ બાદ ધનસુરા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ટ્રક-ટેલરના નંબર આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.