ભૂતેશ્વર ગામના યુવાનને બે શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો

- મૃતકે પોતાના મોબાઇલમાં આપઘાતનો વીડિયો બનાવ્યો હતો
- યુવાનને પત્નીની આત્મહત્યાના પગલે 3 શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી
ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે રહેતા વિનુભાઈ ઉર્ફે વિશાલભાઈ નાનજીભાઈ શ્યોપાના પત્નીએ મિલન ધનજીભાઈ રાઠોડ, આનંદ મનસુખભાઈ દેલવાડિયા, ગોપાલ અશોકભાઈ રાઠોડના ત્રાસથી કંટાળી જાતે સળગી આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ વિનુભાઈ ઘોઘા પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમિયાનમાં અશોક મથુરભાઇ રાઠોડ, જીગ્નેશ અશોકભાઇ રાઠોડે વિનુભાઈને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરી ત્રાસ આપવા લાગ્યા હતા. આ ત્રાસથી કંટાળેલા ૩૨ વર્ષિય યુવાન વિનુભાઈએ પોતાના ઘરે ઉપરના માલમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે પોતાના મોબાઇલમાં આત્મહત્યાનો વીડિયો બનાવ્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના પિતાએ બે ઇસમ વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









