Gujarat

મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ

By GS TEAM
28 May 20262 mins read
મહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવક સાથે ઠગાઈ

ખુટવડા પોલીસ મથકમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો

વેચેલું પીકઅપ વાહન ચોરાઉ હોવાનું કહી શખ્સે પાછું લઈ પૈસા પરત આપ્યા નહી

ભાવનગરમહુવા તાલુકાના બાંભણિયા ગામના યુવકને વેચેલું પીકઅપ વાહન ચોરાવ હોવાનું કહી ખારડીના શખ્સે વાહન પાછું મેળવી પરત નહી આપી કુલ રૃ.૧.૪૦ લાખની છેતરપિંડી ઠગાઈ આચરી હતી. બનાવ અંગે યુવકે ખુટવડા પોલીસ મથકમાં ઠગાઈ આચરનાર અને મદદગારી કરનારા કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા તાલુકાના બાંભણીયા ગામે રહેતા ઉદયરાજ શેલારભાઈ જાજડાએ 'પીપળાના પા' નામની મોબાઈલ એપ કે જેમાં જુની વસ્તુ વેચવા માટેની એડ મુકવામાં આવતી હોય છે તેમાં બોલેરો પીકઅપ વાહન વેચાણની એડ મુકેલી હતી. જેમાં આપેલ નંબર પર મેહુલ આહિર નામના શખ્સ સાથે વાત કરી રૃ.૧.૪૦ લાખમાં પીકઅપ વાહન ખરીદવાનું નક્કી કર્યું હતું અને ગત તા.૧-૫ના રોજ ડીડી-૦૧-કે-૯૬૫૬ નંબરનું પીકઅપ વાહન ગાડી ચોરાવ નથી, હપ્તા ચડેલા છે અને બે ત્રણ દિવસમાં ગાડી ક્લિયર થઈ જશે તેમ જાણીને મેહુલ આહિર અને તેમના ભાઈ નાજુભાઈ પાસેથી લોંગડી હાઈ-વે પાસેથી લીધું હતું અને બાદમાં ગત તા.૫-૫ના રોજ મેહુલભાઈનો ફોન આવેલો કે ગાડી ચોરાવ અને તે દિવસે જ પીકઅપ વાહન લઈ ગયા હતા અને તેમની પાસેથી પૈસા લેવા માટે ઉદયભાઈ અને તેમના બાપુ ખારડી ગામે ગયા હતા પરંતુ મેહુલભાઈ તેમને ઘરે બેસાડી ક્યાંક જતાં રહેલા, તે બાદ બે ત્રણ દિવસ સુધી તેમના ઘરે પૈસા લેવા જતાં તેમના પિતાએ પૈસા છે નહી થાય તે કરી લેજો હવે મારા ઘરે આવતા નહી અને મારા દિકરાને તમે ગોતી લેજો તેમ કહ્યું હતું. આમ ઉક્ત ત્રણેયે તેમની સાથે ઠગાઈ આચરતા આ મામલે ઉદયરાજ શેલારભાઈ જાજડાએ મેહુલ જીવાભાઈ ભમ્મર, નાજુ જીવાભાઈ ભમ્મર અને જીવા સાદુળભાઈ ભમ્મર (ત્રણેય રહે.ખારડી, તા.તળાજા) સામે ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીલા ગામના યુવક સાથે પણ ઠગાઈ આચરી

બીલા ગામના અબ્બાસઅલી વજીરઅલી લાલાણીનું જીજે-૧૫-એટી-૧૧૧૮ નંબરનું લોડિંગ વાહન મહિને રૃ.૩૦ હજારમાં જીઈબીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાનું છે તેમ કહી મેહુલ લઈ ગયો હતો અને આજદિન સુધી ગાડી કે રૃપિયા આપ્યા નહોતા.