આણંદ કપડાં લેવા જવાનું કહી નિકળેલો બાકરોલનો યુવક ગુમ
- જિલ્લામાંથી 3 વ્યક્તિઓ લાપતા થઈ
- ખેતરે કહ્યા વગર સારસાની વૃદ્ધા અને નોકરી જવાનું કહી ભાલેજની પરિણીતા લાપતા
મૂળ દાહોદના અને હાલ બાકરોલ ગામની દૂધની ડેરી પાછળ રહેતા સુભાષભાઈ ડામોરનો દીકરો અર્પિત તા. બીજી મેના રોજ આણંદ કપડાં લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. જે અંગે વિદ્યાનગર પોલીસે જાણવા જોગ નોંધી હતી. બીજા બનાવમાં આણંદ તાલુકાના સારસા ગામે રહેતા ૬૦ વર્ષીય કોકીલાબેન ફુલાભાઈ ઠાકોર ગત તા. બીજી મેના રોજ પોતાના ખેતરમાંથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થયા હતા. જે અંગે ખંભોળજ પોલીસ મથકે જાણ કરાઈ છે. અન્ય બનાવમાં ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે રહેતા દસ્તગીર ખાન પઠાણની પત્ની રૂમાનાબાનુ તા. ૧૭મી મેના રોજ પોતાના ઘરેથી નોકરી ઉપર જાવ છું તેમ કહી ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે ભાલેજ પોલીસે ગુમ થનાર પરિણીતાની સઘન શોધખોળ આરંભી છે.