Get The App

હોટલ રેટિંગના નામે અલીન્દ્રા ગામના યુવકની સાથે રૂ. 95 હજારની ઠગાઈ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
હોટલ રેટિંગના નામે અલીન્દ્રા ગામના યુવકની સાથે રૂ. 95 હજારની ઠગાઈ 1 - image

- ઊંચા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લઈ

- ટેલિગ્રામ ગુ્રપમાં ઘરે બેઠા પૈસા કમાવવાનો મેસેજ આવ્યો હતો, અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધાયો

નડિયાદ : નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામના વાલાપુરામાં રહેતા એક યુવક સાથે હોટલ રેટિંગના નામે ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઈન રૂપિયા ૯૫,૯૬૬ની છેતરપિંડી કરાયાનો ગુનો ચકલાસી પોલીસ મથકે નોંધાયો છે.

માહિતી મુજબ, પ્રિતેશકુમાર રમેશભાઈ ચૌહાણ (રહે. વાલાપુરા, અલીન્દ્રા)ને જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન તેમના મોબાઈલમાં ટેલિગ્રામ એપ્લિકેશન પર નામના ગુ્રપમાંથી મેસેજ મળ્યો હતો. જેમાં હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ તથા ફીડબેક આપવાના બદલામાં ઘર બેઠા સારી આવક કરવાની લાલચ આપવામાં આવી હતી. જેથી પ્રિતેશકુમારે આપેલા નંબર પર સંપર્ક કર્યોે હતો. ગઠિયાઓએ વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી વળતર આપ્યું હતું. ૧૪ જાન્યુઆરીએ તેમણે રૂપિયા ૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા બાદ રૂપિયા ૧૮,૧૬૮ પરત મળ્યા હતા. ત્યારબાદ ૧૫ જાન્યુઆરીએ રૂપિયા ૧૦,૦૦૦ અને રૂપિયા ૨૨,૫૦૦ ટ્રાન્સફર કરતા કુલ રૂપિયા ૩૮,૩૬૬ પરત મળ્યા હતા. વિશ્વાસમાં આવી વધુ નફાની લાલચમાં ૧૬ અને ૧૭ જાન્યુઆરી દરમિયાન પ્રિતેશકુમારે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા ૧,૫૨,૫૦૦ જેટલી બેન્ક ઓફ મહારાષ્ટ્રાના વિવિધ ખાતાઓમાં જમા કરાવી હતી. જોકે, આ વખતે તેમને વોલેટમાં દેખાતા નાણાં ઉપાડવા મળ્યા નહોતા. થોડા સમય બાદ ટેલીગ્રામ ગુ્રપ ડિલીટ થઈ જતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ગઠિયાઓએ કુલ રૂપિયા ૧,૫૨,૫૦૦માંથી રૂપિયા ૫૬,૫૩૪ પરત આપ્યા બાદ બાકીના રૂપિયા ૯૫,૯૬૬ની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ચકલાસી પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.