Gujarat

સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

By GS TEAM
29 Sep 20252 mins read
સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

બોરીજ ગામના યુવાનને અકસ્માત નડયો

સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાાયો પરંતુ શાળાના સેવકનો જીવ બચ્યો નહીં

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સચિવાલય પાસે ગેટ નંબર ત્રણ નજીક ગઈકાલે બોરીજ ગામના યુવાનનું બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરમાં સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બોરીજ ગામમાં રહેતા અને ગાંધીનગરના સેક્ટર ૨૩માં આવેલી ગુરુકુળ શાળામાં સેવક તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બોરીજ ગામમાં રહેતો યુવાન રાજુભાઈ કાંતિભાઈ પરમાર ગઈકાલે બપોરના સમયે ગાંધીનગરના છ માર્ગ ઉપર તેનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે સચિવાલયના ગેટ નંબર ત્રણ નજીક તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જે અકસ્માતની ઘટનામાં તેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચ્યો ન હતો. જે અકસ્માતની ઘટના સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.