સરદાર એસ્ટેટમાં શટર રિપેર કરતા યુવકને કરંટ લાગતા મોત
વીજ કરંટ લાગવાના ત્રણ બનાવમાં બે ના મોત : એક સયાજીમાં સારવાર હેઠળ
વડોદરા,આજવા રોડ સરદાર એસ્ટેટમાં શટરનું કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું મોત થયું છે. જ્યારે છાણીમાં ઘરે વીજ કરંટ લાગતા આધેડનું મોત થયું છે.
પાદરામાં રહેતો ૩૦ વર્ષનો ઇરફાન મુસ્તાકભાઇ બનજારા આજે આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે એક દુકાનના શટરનું રિપેરીંગ કામ કરતો હતો. તે દરમિયાન અચાનક તેને વીજ કરંટ લાગતા તે શટર સાથે ચોંટીગયો હતો. તેની સાથે કામ કરતા અન્ય યુવકોએ બૂમો પાડી હતી. પરંતુ, કોઇ બચાવવા માટે આવે ત્યાં સુધી ઇરફાનનું મોત થયું હતું. બનાવ અંગે બાપોદ પોલીસે સ્થળ પર જઇ મૃતદેહ પી.એમ. માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, છાણી ગામ ભાથુજી નગરમાં રહેતા શ્રમજીવી અરવિંદભાઇ મૂળજીભાઇ નાયક ( ઉં.વ.૪૫)ને આજે સવારે ઘરે વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે છાણીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.
નરહરિ હોસ્પિટલ પાસે કલ્યાણ નગરમાં રહેતા ૧૯ વર્ષનો વારિસ સકીલભાઇ પઠાણ આજે સવારે મકરપુરા એરફોર્સ પાસે ક્રિષ્ણા એવન્યુમાં વેલ્ડિંગનું કામ કરતો હતો. તે દરમિયાન તેને કરંટ લાગતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.