સંજીવની આરોગ્ય રથની પાછળ બાઇક અથડાતા એક યુવાનનું મોત
શ્રમયોગીઓને સેવાઓ આપતા વાહન
પાટનગરમાં ઘ-૬ સર્કલ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલક યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો
ગાંધીનગર : પાટનગરના પહોળા અને વળાંક વગરનાં મુખ્ય માર્ગો પર બેફામ ગતિએ દોડતા રહેતા વાહનોના અકસ્માત સામાન્ય બની ચૂક્યા છે. શુક્રવારે સવારે ઘ ૬ સર્કલ નજીક શ્રમયોગીઓને આરોગ્ય સેવાઓ આપતાં વાહન ધન્વંતરી સંજીવની આરોગ્ય રથની પાછળ ધડાકાભેર બાઇક અથડાઇ પડવાના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજાના પગલે તેનું મૃત્યુ થયુ હતું.
ગાંધીનગરમાં ધન્વંતરી સંજીવની આરોગ્ય રથના ડ્રાઇવર તરીકે
ચાર વર્ષથી નોકરી કરતા કપડવંજના જેર ગામના રહેવાસી ધીરજ હિરાભાઇ પરમાર દ્વારા
અકસ્માતના બનાવ સંબંધે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં
જણાવવામાં આવ્યા પ્રમાણે શુક્રવારે સવારે ૮.૧૫ વાગ્યાના અરસામાં તે ઉપરોક્ત
વાહનમાં ઇન્ચાર્જ ડા. મોનાલીસા સુવેરા,
લેબ ટેક્નિશ્યન કામિનીબેન રાઠોડ અને ફાર્માસિસ્ટ દષ્ટિબેન ઘેલાને લઇને સેક્ટર
૨૮માં મેડિકલનો સ્ટોક લેવા જઇ રહ્યા હતાં.
ત્યારે ઘ ૬ સર્કલ ક્રોસ કરવા સમયે તેની ગાડીના પાછળના ભાગે અજાણ્યો બાઇક
ચાલક ધડાકાભેર અથડાતા વાહન ઉભુ રાખીને નીચે ઉતર્યા હતાં. રથની પાછળ અથડાઇ પડેલા
યુવકની કોઇ ઓળખ મળી ન હતી. તેને સારવારમાં ખસેડવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં
આવી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ થયુ હતું.
જેના પગલે રથના ડ્રાઇવર દ્વારા સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં
આવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા સાથે મૃતકની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન
કરવામાં આવ્યા હતાં.