સેક્ટર-૪માં યુવાનનો રૃમમાં ગળેફાંસો ખાઈ લઈને આપઘાત

બપોરે માતા અને દાદી સાથે જમ્યા બાદ
પંખા સાથે ચાદર બાંધી અંતિમ પગલું ભરી લીધું આપઘાતનું કારણ જાણવા માટે પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૪માં રહેતા પરિવારના ૨૧ વર્ષીય યુવાન પુત્ર દ્વારા ગઈકાલે સાંજના સમયે પોતાના રૃમમાં પંખા સાથે ચાદર બાંધીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જે ઘટના સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૪-એમાં મકાન નંબર ૮૩-૨ ખાતે રહેતા પરિવારના ૨૧ વર્ષીય યુવાન અનસ
અબ્દુલરસીદ પટેલ દ્વારા ગઈકાલે બપોરના સમયે માતા અને દાદી સાથે ભોજન લીધા બાદ તેના
રૃમમાં ગયો હતો. આ દરમિયાન અંદરથી તેણે દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ ઘણો સમય
વીતવા છતાં તે રૃમમાંથી બહાર આવ્યો ન હતો અને પરિવારજનો દ્વારા તેનો દરવાજો
ખખડાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો. જેના પગલે બારીમાંથી
જોતા પરિવારના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેમ કે પંખા સાથે લટકતી
હાલતમાં અનસ જોવા મળ્યો હતો. જેથી પરિવારજનો દરવાજો તોડીને તાત્કાલિક તેને નીચે
ઉતાર્યો હતો. આ ઘટના સંદર્ભે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર
પહોંચી હતી અને અકસ્માતે મોત દાખલ કરીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે આ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો
તે જાણવા માટે પોલીસ દ્વારા મથામણ શરૃ કરવામાં આવી છે તેના દ્વારા લખવામાં આવેલી
કોઈ અંતિમ ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી નથી.









