મીની નદીના કોતરમાં યુવાન અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી
Vadodara : વડોદરા નજીક મીની નદીના કોતર વિસ્તારમાં શેરખી સિંધરોટ પાસે એક સગીરા અને યુવાને ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાવલી તાલુકાના અમરાપુરા ગામમાં રહેતા મનોજ ગોરધન ગોહિલ ઉંમર વર્ષ 20 હાલ વડોદરાના કોયલી ખાતે જાદવનગરમાં રહે છે. ગઈકાલે મનોજ અને તેના ઘરની નજીકમાં રહેતી 17 વર્ષની સગીરા બંને બપોરે એક્ટિવા લઈને નીકળ્યા હતા અને શેરખી સિંધરોટના કોતર વિસ્તારમાં આવેલ શક્તિ માતાના મંદિર પાસે બંનેએ ઝેરી દવા પી લીધી હતી.
ઝેરી દવા પીધા બાદ સગીરાથી સહન નહીં થતાં તેણે તેની મોટી બહેનને જાણ કરી હતી કે મંદિર પાસે અમે ઝેરી દવા પી લીધી છે. આ અંગે શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં મોબાઇલનું લોકેશન મેળવતા બંને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મીની નદીના કોતરમાં મળ્યા હતા. પોલીસે તુરંત બંનેને ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર છે યુવાન અને સગીરાએ કયા કારણોસર ઝેરી દવા ગટગટાવી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.