- ખેડાના ચુડેલ માતાના મંદિર પાસે અકસ્માત
- ખેડા ટાઉન પોલીસ દ્વારા પિકઅપના ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ : ખેડા રોડ ચુડેલ માતાના મંદિર પાસે ખેડા પાસે બોલેરો પિકઅપ ઓવરટેક કરી રોંગ સાઈડે જઇ સામેથી આવતી મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી ગંભીર રીતે ઈજા પામેલ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા તાલુકાના છાપરા ગબાજીના મુવાડામાં રહેતા મહેન્દ્રભાઈ ભગવાનભાઈ ઝાલાના એકાદ વર્ષ પહેલા પરસાંતજ ગામે રહેતા મનિષાબેન સાથે લગ્ન થયા હતા. તેઓ ખેડા ખાતે આવેલી કંપનીમાં નોકરી પરથી છૂટી મોટરસાયકલ લઈને ઘરે આવતા હતા. આ દરમિયાન ખેડા મહેમદાવાદ રોડ ચુડેલ માતાના મંદિર નજીક સામેથી આવેલી બોલેરો પિકઅપ ગાડી ઓવરટેક કરી સામેથી આવતી મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઇક ચાલક મહેન્દ્રભાઈ ઝાલા (ઉં.વ.૨૧)ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે વાત્રક નદીના બ્રિજ ઉપર મહેન્દ્રભાઈ ઝાલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભગવાનભાઈ દેસાઈભાઈ ઝાલાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


