Gujarat

જૂનાગઢ જિલ્લામાં પણ મનરેગામાં કરોડોનાં કૌભાંડનો તખ્તો રચાયો હતો

By GS TEAM
28 Jun 20252 mins read
જૂનાગઢ જિલ્લામાં પણ મનરેગામાં કરોડોનાં કૌભાંડનો તખ્તો રચાયો હતો

તાંત્રિક મંજૂરી મળી, પણ ડીડીઓએ વહીવટી મંજૂરી ન આપી 2023-24નાં વર્ષ માટે ગોઠવણ કરી રિપીટ ઓર્ડર અને નવાં ટેન્ડર કરાયાં, પણ ડીડીઓએ 60:40નો રેશિયો જાળવવા આગ્રહ રાખ્યો

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં પણ મનરેગા સહિતનાં કામમાં કૌભાંડનો તખ્તો ગોઠવી નાખવામાં આવ્યો હતો. ૨૦૨૩-૨૪ના વર્ષ માટે ગોઠવણ કરી રિપીટ ઓર્ડર અને નવા ટેન્ડર કરવામાં આવ્યા હતા પરંતુ તત્કાલીન ડીડીઓએ આ કૌભાંડમાં ૬૦ઃ૪૦નો રેશિયો જાળવવા અને કોઈ ખોટા એસ્ટીમેટ નહીં આપવાની તાકીદ કરી સમગ્ર તખ્તાને વિખી નાખ્યો હતો એટલે અધિકારીઓ અને કોન્ટ્રાકટર નિરાશ થયા હતા અને તત્કાલીન ડીડીઓનાં કડક વલણના લીધે કોઈએ હિંમત કરી ન હતી.

તાજેતરમાં દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગીર-સોમનાથ જિલ્લાના કોંગ્રેસના આગેવાન, તેના પુત્ર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લામાં પણ ર૦રર-ર૩ના વર્ષમાં ભેસાણ, માણાવદર, મેંદરડા અને વિસાવદર સહિતના તાલુકાઓમાં એસઓઆર મુજબ ર૦રર-ર૩ માટે જે ટેન્ડર અને રિપીટ ઓર્ડર આપવા જોગવાઈ થઈ હતી તે મુજબ ર૦ર૩-ર૪માં નવ તાલુકામાં રિપીટ ઓર્ડર આપવા અને નવા ટેન્ડર કરવા જોગવાઈ કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએથી વહિવટી મંજુરી મળી જાય તે માટે ગાંધીનગરથી ગોઠવણ કરી સૂચના પણ અપાવવામાં આવી હતી.

આ મુજબ જો કામ મંજુર થાય તો અંદાજે ર હજાર કરોડ રૂપિયાના કામ થવાના હતા પરંતુ આ દરમ્યાન ડીડીઓ તરીકે નીતિન સાંગવાનની નિમણૂક થઈ હતી. તેણે જે-જે એસ્ટીમેટ રજુ થયા હતા તેમાં ૬૦ઃ૪૦નો રેશિયો જાળવવા તાકીદ કરી હતી. અધિકારીઓને તથા કર્મચારીઓને બે માસની મુદ્દત આપી નિયમ મુજબ જ કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી અને ઉપરથી સુચના હોવા છતાં આ કામ માટે વહીવટી મંજુરી આપી ન હતી. ભરૂચ જિલ્લામાં જે મુજબ કૌભાંડ સામે આવ્યું છે તેવું જૂનાગઢ જીલ્લામાં અગાઉ થયું છે. જો આ મામલે તપાસ કરવામાં આવે તો કંઈકના તપેલા ચડી જાય તેમ છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વોટર શેડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો થઈ હતી પરંતુ તપાસ કરવામાં આવતી નથી જે શંકાસ્પદ બાબત છે.

DDO પોલીસ ફરિયાદ કરાવવાના હતા પરંતુ ગાંધીનગરથી ના આવી ગઈ!

આ કામની મંજુરી માટે ગાંધીનગરથી સૂચના અપાવવા પાછળ કૌભાંડ કરવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હતો પરંતુ જૂનાગઢના તત્કાલીન ડીડીઓ નીતિન સાંગવાને કૌભાંડનો તખ્તો વિખી નાખ્યો હતો. તેની કડક કાર્યવાહીથી અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ હિંમત કરી ન હતી. આજથી થોડા દિવસો પહેલા તેની બદલી કરવામાં આવી તેની પાછળ આ પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ એક-બે કિસ્સામાં તો તેઓએ પોલીસ ફરિયાદ કરવા પણ આદેશ કર્યો હતો પરંતુ ઉપરથી સૂચના અપાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.