ગોંડલ પંથકની શ્રમિક પરિણીતાનું છરીની અણીએ બાઇક પર અપહરણ કરી દૂષ્કર્મ
મોબાઇલમાં ફોટો પાડી વિકૃત સ્વરૂપ આપી વાયરલ કરવાની ધમકી આપી : લાકડા વીણવા ગયેલી મહિલાને મોવિયા તરફની સીમમાં લઇ જઇ એકે દુષ્કર્મ આચર્યુ 2 એ ચોકીદારી કરી
ગોંડલ, : આજથી દોઢ વર્ષ પહેલા ગોંડલ પંથકની શ્રમિક મહિલા ગુંદાળા ગામ પાસે બળતણ વીણવા ગઇ હતી. ત્યારે ચોરડી ગામના ત્રણ શખ્સોએ બાઇક પર ધસી આવી મહિલાને ધાકધમકી આપી છરીની અણીએ અપહરણ કરી મોવિયા ગામની સીમમાં દુષ્કર્મ આચરતા દોઢ વર્ષ બાદ પોલીસમાં ફરિયાદ થઇ છે. બનાવ અંગે ગોંડલ પંથકમાં રહેતી એક પરણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મનીષ અને ભરત મકવાણા તેનો ભાઈ વિક્રમ મકવાણા અને એક અજાણ્યો શખ્સ (રહે. ત્રણે'ય ચોરડી)નું નામ આપતા ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ ફરિયાદમા મહિલાએ જણાવ્યું હતું કે, તેનો ભાઇ ગોંડલ પંથકમાં રહેતો હોવાથી પતિ તથા બન્ને સંતાનો સાથે બે વર્ષ પહેલા ગામડે રહેવા ગયેલ હતાં. અને તેની બાજુમાં જ આરોપી મનીષ અને વિક્રમ એક જ શેરીમાં રહે છે. જેની સાથે પાડોશીના નાતે આવવા-જવાનો સંબંધ બંધાયેલો હતો. ગઈ તા.16-12-2023ના આરોપી મનિષની દાનત બગડતા છુપી રીતે તેના મોબાઈલમાં ફોટો પાડી લીધેલ અને તે ફોટા સાથે કોમ્પ્યુટરની મદદથી એડીટિંગ કરી ખરાબ ફોટો બનાવી તેને બતાવેલ અને ધમકી આપેલ કે, જો તું મારી સાથે ફોન ઉપર વાત નહીં કરતો તારો ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી તને બદનામ કરી નાખીશ.
આરોપીની ધમકીના કારણે અને બન્ને સગીર સંતાનોના ભવિષ્યનો વિચાર કરી તેમજ આરોપીઓ, ઝનુની તથા માથાભારે હોવાથી બીકના કારણે કયાંય ફરિયાદ કરેલા ન હતી. ગઈ તા. 21-12-2023ના રોજ બપોરના 11.30 વાગ્યે તેણી બળતણ લેવા માટે ગુંદાળા ગામ તરફ જવાનો માર્ગ આવેલ છે. તે તરફ ગયેલ હતી. ત્યાં આરોપી મનીષ અને વિક્રમ બાઈકમાં તેની પાસે આવેલા હતા. અને એક અજાણ્યો શખ્સ પણ તેની સાથે હતો. આ ત્રણે'ય આરોપીઓએ બાઈકમાંથી ઉતરી મનિષે છરી બતાવી કહેલ કે, 'ચુપચાપ બાઈક પાછળ બેસી જા નહીંતર જાનથી મારી નાખીશ.' જેથી તેની આરોપીના બાઈક પાછળ બેસી ગયેલ અને તેની પાછળ એક અજાણ્યો શખ્સ હાથમાં છરી લઈ પાછળ બેસી ગયેલ હતો. તેણીને આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂં રચી એક-બીજા સાથે મળી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરેલ હતું. અને જુના રાજા શાહી માર્ગેથી ગુંદાળા ગામે લઈ ગયેલા અને ત્યાંથી સીધા પાંજરાપોળે થઈ મોવિયા ગામની સીમમાં કોઈના ખેતરે લઈ ગયેલા હતા. ત્યાં આરોપી મનિષે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. વિક્રમ અને એક અજાણ્યો શખ્સ બહાર ધ્યાન રાખીને બેઠા હતા. તેણી સમયસર ઘરે નહીં પહોંચતા પતિએ આજુ-બાજુમાં તપાસ કરતા તેણી ન મળતા. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા હતા. તેની જાણ આરોપીઓને થઈ ગયેલ હતી. જેથી આરોપી વિક્રમે પતિને ફોન કરી બિભત્સ ગાળો આપી ધમકી આપેલ કે, જો તું ફરીયાદ કરવા જઈશ. તો તારા છોકરાઓને મારી નાખીશું. તારી સારાવાટ નહીં રહે. અને ગામ છોડીને બીજે રહેવા ચાલ્યો જજે. એવી ધમકી આપતા અમો ડરી ગયા હતા.