નિષા ચોકડી નજીક રોડ ક્રોસ કરતા શ્રમજીવીનું વાહનની અડફેટે મોત
ઇજાગ્રસ્ત સારવાર કરાવ્યા વગર ઘરે જતા રહ્યા ઃ બપોર પછી તબિયત બગડતા મોત
વડોદરા, પાદરા રોડ પર રોડ ક્રોસ કરતા શ્રમજીવીને અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. હોસ્પિટલમાં સારવાર કરાવ્યા વગર જ ઘરે જતા રહેલા શ્રમજીવીની બપોર પછી તબિયત બગડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.
કલાલી રોડથી માંજલપુર દરબાર ચોકડી તરફ જવાના નવા બ્રિજ પાસે ઝૂંપડામાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા દિનેશભાઇ સુખરામભાઇ ઘોરી ગઇકાલે સવારે ૯ વાગ્યે ગોત્રી હોસ્પિલમાં દાખલ કરેલા સંબંધીની ખબર જોવા માટે પત્ની સાથે ગયા હતા. ખબર જોયા પછી તેમણે પત્નીને કહ્યું કે, હું કડિયા કામની મજૂરી શોધવા માટે મનિષા ચોકડી જઉં છું. તેઓ દેવદિપ નગર સોસાયટીમાં મજૂરોને છોડીને ચાલતા જે.પી.રોડ પરત આવતા હતા. રોડ ક્રોસ કરતા સમયે એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. દિનેશભાઇને કમર, માથા તથા આંખના ભાગે ઇજાઓ થતા તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમના પત્ની પણ ગોત્રી હોસ્પિટલમાં જ હોઇ તેઓ પણ પતિ પાસે પહોંચી ગયા હતા. દિનેશભાઇએ પત્નીને કહ્યું કે, મને બહુ વાગ્યું નથી. મારે સારવાર કરાવવી નથી. ઘરે જવું છે. તેઓ જીદ્દ કરતા હોઇ પત્ની તેઓને ઘરે લઇ ગઇ હતી. ત્યારબાદ સાંજે તેઓને દુખાવો વધી ગયો હતો, ચક્કર આવતા હતા તેમજ આંખે ઓછું દેખાવાનું શરૃ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. બનાવ અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
માણેજા ક્રોસિંગ પાસે મોપેડને ટક્કર મારી કાર ચાલક ફરાર ઃ સાસુ અને વહુને ઇજા
વડોદરા,મકરપુરા ગામ સુથાર ફળિયામાં રહેતા કિંજલબેન કેયૂરભાઇ પટેલ નર્મદા ભવન ખાતે વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. ગઇકાલે રાતે ૯ વાગ્યે કિંજલબેન અને તેમના સાસુ મોપેડ લઇને મકરપુરા હોસ્પિટલ ખાતે સંબંધીની ખબર પૂછવા માટે ગયા હતા. રાતે ૧૧ વાગ્યે તેઓ ઘરે પરત આવતા હતા. માણેજા ક્રોસિંગ નજીક એક કાર ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. સાસુ અને વહુને પગમાં ઇજાઓ થઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.