જામનગરમાં પોશ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું, મહિલા સંચાલિકા સહિત બે ગ્રાહકની ધરપકડ
Jamnagar : જામનગર શહેરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાતાં શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી મહિલાઓને બોલાવીને આ દેહવ્યાપારનો ધંધો ચલાવાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મહિલા સંચાલિકા સહિત બે પુરુષ ગ્રાહકને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જેમની સામે ગુનો દાખલ કરાયો છે.
ભાડાના ફ્લેટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ
જામનગર શહેર વિભાગના ડીવાય.એસ.પી જે.એન. ઝાલાની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડાની વિગત મુજબ, પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર-9ના છેડે યાદવ પાનની બાજુની શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ફ્લેટ નંબર-1માં ભાડાનું મકાન રાખીને રહેતી 50 વર્ષીય સોની નામની મહિલા આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહી હતી. તે પોતાના ભાડાના ફ્લેટમાં પુરુષ ગ્રાહકો માટે બહારથી સ્ત્રીઓને બોલાવીને કૂટણખાનું ચલાવતી હતી.
ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રવિવારે બપોરે 4:30 વાગ્યાના અરસામાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મહિલા સંચાલિકા સોનીબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો, જેમાં જામનગરના વિકાસગ્રહ રોડ પર રહેતા 54 વર્ષીય નિતેશ શાંતિલાલ વસા અને ધરાર નગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ અલગ-અલગ રૂમમાં બે સ્ત્રી સાથે મળી આવ્યા હતા.
અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવી હતી મહિલાઓ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને સ્ત્રીઓને અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિના નેટવર્ક હેઠળ પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે લાવવામાં આવી હતી. પ્રત્યેક ગ્રાહક પાસેથી રૂ. 1,000થી વધુની રકમ ઉઘરાવવામાં આવતી હતી, જેમાંથી અમુક રકમ સંચાલિકા મહિલા પોતાની પાસે રાખતી હતી, જ્યારે બાકીની રકમ બહારથી આવેલી સ્ત્રીઓને આપવામાં આવતી હતી.
પોલીસે દરોડા દરમિયાન ઝડપાયેલા બંને પુરુષ ગ્રાહકો અને સંચાલિકા મહિલા સોનીબેન એમ ત્રણેય સામે જામનગરના સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. સરકાર તરફે સિટી 'બી' ડિવિઝનના મહિલા એ.એસ.આઈ. પ્રિન્સાબેન કેતનભાઈ ગુઢકા ફરિયાદી બન્યા છે. ત્રણેય સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, 1956ની કલમ 3(1), 4(1) અને 5(1-એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવના સ્થળેથી રોકડ રકમ, કોન્ડમ સહિતનું સાહિત્ય અને મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ. 35,020ની માલમત્તા કબજે કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી સમયે આસપાસના વિસ્તારના લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું.