- કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને
- નડિયાદ ગ્રામ્ય પોલીસે કેન્યામાં રહેતી પીપલગની અને મુંબઈની મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગમાં રહેતા યુવકને કેન્યામાં રહેતી પીપલગની મહિલાએ કેનેડાના વર્ક વિઝા અપાવી છ મહિનામાં કેનેડા મોકલી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં કેનેડાના વિઝાનું કામ કરી ન આપી કે પૈસા પરત ન આપી લેભાગુ મહિલા એજન્ટે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપલગ ખાતે રહેતા જીગરકુમાર નરેશકુમાર વાળંદે મિત્રાલ ગામે રહેતા તેમના જીજાજી જયેશકુમાર રમણભાઇ વાળંદને કેનેડા નોકરી કરવા જવા વાત કરી હતી. જેથી જીગરકુમારે કેનેડા જવા માટે વર્ક પરમિટનું કામ કરતા નડીયાદના અને હાલ કેન્યામાં રહેતા મુકેશભાઈ જાની અને નિલ્કાબેન શીરીશભાઈ દેસાઈને કામ સોંપેલું હતું. નિલ્કાબેનના મોબાઈલ ફોન ઉપર તા.૦૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કેનેડાના વર્કપરમિટ વિઝા મેળવવા વાત કરી કેનેડાના વર્કપરમિટ વિઝાનું કામ સોંપ્યુ હતું. તેઓએ વર્ક પરમિટ વિઝાના રૂ.૬,૫૦,૦૦૦ આપવા પડશે અને વર્ક પરમિટ વિઝા મેળવી મોકલી આપવામાં છ મહીના જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતું.
આ નિલ્કાબેને આશીકાબેન આશિષકુમાર પટેલ જે મુંબઇ સોલીટેર હાઇટ્સ, ગોરેગાંવનું આઈ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટ નંબર તથા નડીઆદ માઈ મંદીર પાછળ, નડીઆદમાં રહેતા સ્વપ્નીલ અરૂણભાઈ ગજ્જર અને પલક સ્વપ્નીલ ગજ્જરના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા નડીઆદના એકાઉન્ટ નંબર આપેલ અને તેમાં રૂ. ૨,૦૦,૦૦ જમા કરાવવા નિલ્કાબેને જણાવેલું હતું. જેથી યુવકે સ્વપ્નીલના ખાતામાં આર.ટી.જી.એસ. થી તા.૨૦ ડિસેમ્બરે ૨૦૨૨ના રોજ ટ્રાન્સફર કર્યા હતા અને રૂ.૧,૫૦,૦૦૦ આશીકાબેનના ખાતામાં તા.૧૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આર.ટી.જી.એસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ નિષ્કાબેને ફોન કરી અમદાવાદ ભીખાભાઈ ચેમ્બર ખાતે બાયોમેટ્રીક કરાવવા જવાનું કહેતા જીગરભાઈએ અમદાવાદ જઈ બાયોમેટ્રીક કરાવ્યું હતું. બાદમાં ઘણો સમય થવા છતાં કેનેડાના વર્ક વિઝા ન મળતા જીગરભાઈ અવારનવાર તેમનો સંપર્ક કરતા તેઓ બહાના બતાવતા હતા. આમ કેનેડાના વર્કપરમિટ વિઝાનું કામ ન કરી આપી કે પૈસા પરત ન આપી નીલ્કાબેન અને આશિકાબેન પટેલે જીગરભાઈ વાળંદ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે જીગરભાઈ નરેશભાઈ વાળંદની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે નિલ્કાબેન શીરીશભાઈ દેસાઈ (રહે.કેન્યા મૂળ રહે.પીપલગ નડિયાદ) તથા આશીકાબેન આશિષકુમાર પટેલ (રહે. મુંબઇ સોલીટેર હાઇટસ )સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


