ચોટીલા-જસદણ રોડ પર રીક્ષા મલટી મારી જતા એક મહિલાનું મોત નીપજ્યું
- રીક્ષામાં સવાર 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી
- રીક્ષાચાલક મામાના દિકરા સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા-જસદણ રોડ પર વડાળી ગામ પાસે રીક્ષાચાલકે પુરઝડપે રીક્ષા ચલાવી કાબુ ગુમાવતા રીક્ષા રોડની સાઈડમાં પલટી મારી જતા રીક્ષામાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી જ્યારે રીક્ષાચાલક અકસ્માત બાદ નસી છુટયો હતો જે અંગે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળીના સડલા ગામે રહેતા ફરિયાદી ઘનશ્યામભાઈ શંકરભાઈ ચૌહાણના માતા મંજુબેન તથા ભાણો વિજય, ભુમી, જનકબેન તેમજ ફરિયાદીનો પુત્ર સંજય સહિતનાઓ વડાળીથી લગ્નપ્રસંગ પૂર્ણ કરી ઘરે પરત આવી રહ્યાં હતાં અને રીક્ષા ફરિયાદીના મામાનો દિકરો વિમલભાઈ સોલંકી ચલાવી રહ્યો હતો તે દરમ્યાન વડાળી ગામથી ચોટીલા તરફના રસ્તા પર રીક્ષાના હેન્ડલપરથી કાબુ ગુમાવતા રીક્ષા રોડ નીચે ઉતરી પલટી ખાઈ જતા ફરિયાદીના માતા મંજુબેનને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું તેમજ ફરિયાદીના દિકરા અને ભાણીને પણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ રીક્ષાચાલક નાસી છુટયો હતો જે અંગે ભોગ બનનારે રીક્ષાચાલક વિમલભાઈ મગનભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ નાની મોલડી પોલીસ ચલાવી રહી છે.