Gujarat

ખાંભાના મોટા બારમણ ગામમાં ધડાકાભેર પાણીનો ટાંકો તૂટયો

By GS TEAM
18 Jul 20252 mins read
ખાંભાના મોટા બારમણ ગામમાં ધડાકાભેર પાણીનો ટાંકો તૂટયો

ગંભીરા પુલ જેવી જ ગંભીર લાપરવાહી, મોટી દુર્ઘટના ટળી ઓવરહેડ ટેન્કના કાટમાળના પથ્થર બાજુના મકાન પર પડતા નળિયા તૂટયા, આધેડ ઘાયલ, 10 લાખ લિટર પાણી ફરી વળતા ખેતરનું ધોવાણ

અમરેલી : ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે આવેલો 10 લાખ લિટર પાણીનો ઓવરહેડ ટાંકો ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. જેની જાણ થતા વહીવટી તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિશાળ ટાંકો તૂટતા ઉડેલા પથ્થર બાજુના મકાન પર પડતા નળીયા તૂટયા હતા, જેથી એક આધેડને ઈજા પહોંચી હતી. આ સાથે આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા જમીનનું ધોવાણ થયું હતું. ગંભીરા પુલકાંડ જેમ અહીં પણ જર્જરીત ટાંકાની રજૂઆત કરાઈ હતી, પણ ગંભીરતાથી નહીં લેવાતા આજે દુર્ઘટના સર્જાઈ હતી.

વિગત પ્રમાણે ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની હદમાં આવતો 10લાખ લિટર પાણીનો ટાંકો આજે પોરે અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. ટાંકો ધરાાયી થતા જ ગ્રામજનો દોડી ગયા હતાં. ટાંકાના અમુક ટુકડા બાજુમાં આવેલ બદરૂભાઈના મકાન પર પડતા મકાનના નળીયા તૂટી ગયા હતાં અને પ્રૌઢને ઈજા થતા તાત્કાલિક સારવારમાં ખેડવામાં આવ્યા હતાં. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પાણીનો ટાંકો વર્ષ 2001માં બનેલો હતો આ ટાંકાને 25 વર્ષ જેટલો સમય વીતિ ગયો હતો જેતી આ ટાંકો ધરાશાયી થાય તે પહેલા જવાબદાર અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નહોતું.

મોટા બારમણ ગામે ટાંકો ધરાશાયી થતા ખેડૂત અશોકભાઈ આંબાભાઈની જમીનમાં ધોવાણ થયું હતું  અને આસપાસ પાણી પાણી થઈ ગયું હતું. આ પાણીનો ટાંકો પીછરી, મોટા બારમણ, એભલવડ લોર સહિત આઠ ગામોને પાણી પુરૂ પાડતો હતો. અચાનક જ પાણીનો ટાંકો ધરાશાયી થતા આ તમામ ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જશે. જેથી આ ગામનોને હવે કદાચ ઘરના બોર કે ટેનક્ર પર આધાર રાખવો પડશે. ઘટનાની જાણ ધારી પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને થતા તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતાં 

ટાંકો બન્યો ત્યાર બાદ રિપેરીંગ કરાયું જ નથી

મોટા બારમણ ગામે ટાંકો ધરાશાયી થવાના મુદ્દે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ટાંકો આખો ભરવામાં આવતા ધરાશાયી થયો હતો. ટાંકો બન્યો છે ત્યારથી લઈ અત્યાર સુધીમાં રીપેરીંગ કરવામાં આવ્યું નથી. હવે ટાંકો ધરાશાયી જતા સીધું કનેકશન આપવામાં આવશે અથવા તો 8 ગામોને ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.